
વડા પ્રધાન નરેન્દ્ર મોદી હાલ જાપાન અને ચીન પ્રવાસે છે. અહિં તે મહત્વના શિખર સંમેલનમાં ભાગ લેવા માટે પહોંચ્યા છે. આ પ્રવાસ દરમિયાન ભારત અને જાપાન વચ્ચે અવકાશ ક્ષેત્રે મહત્વપૂર્ણ સમજૂતી પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
આ કરાર ચંદ્રના દક્ષિણ ધ્રુવ પરના અભ્યાસને વેગ આપશે, જેમાં પાણી અને અન્ય અસ્થિર તત્વોની શોધનું મુખ્ય ધ્યેય છે. આ સહયોગ ISRO અને JAXA વચ્ચેનો છે, જે વૈજ્ઞાનિક પ્રગતિને નવી ઊંચાઈએ લઈ જશે અને બંને દેશોના સંબંધોને મજબૂત બનાવશે.
ભારત અને જાપાને ચંદ્રયાન-5 અથવા LUPEX (લુનર પોલર એક્સ્પ્લોરેશન) મિશન માટે સંયુક્ત કરાર પર હસ્તાક્ષર કર્યા છે, જેમાં JAXAના H3-24L રોકેટથી મિશન લોન્ચ કરાશે. ISRO દ્વારા બનાવેલું મૂન લેન્ડર જાપાની રોવરને ચંદ્ર પર લઈ જશે.

આ કરારમાં JAXAના ઉપપ્રમુખ માત્સુરા માયુમી અને ભારતીય રાજદૂત સિબી જ્યોર્જ હાજર રહ્યા હતા, જે ટોક્યોમાં મોદીની બે દિવસીય મુલાકાત દરમિયાન થયો.
ચંદ્રયાન-5 મિશનનું મુખ્ય લક્ષ્ય ચંદ્રના દક્ષિણ ધ્રુવના કાયમી અંધારાવાળા વિસ્તારો (PSR)માં પાણી અને અસ્થિર પદાર્થોનો અભ્યાસ કરવાનું છે. ISRO લેન્ડર અને વૈજ્ઞાનિક સાધનોનું વિકાસ કરશે, જ્યારે JAXA રોવર અને લોન્ચ વ્હીકલ પૂરું પાડશે. આ મિશનમાં વધુ અદ્યતન લેન્ડર અને રોવરનો ઉપયોગ થશે, જે ચંદ્ર પરના સંસાધનોની વધુ ઊંડી તપાસ કરી શકે.
પીએમ મોદીએ જાપાની મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂ દરમિયા કહ્યું કે, આ સહયોગ ચંદ્રના અંધારાવાળા વિસ્તારો વિશેની જાણકારી વધારશે અને અવકાશ વિજ્ઞાનને આગળ વધારશે.
તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે બંને દેશોની વૈજ્ઞાનિક ટીમો સાથે મળીને કામ કરશે. આ કરાર ઉપરાંત, મુલાકાતમાં AI, સંરક્ષણ અને આર્થિક સહયોગ પર પણ ચર્ચા થઈ, જેમાં 10 ટ્રિલિયન યેનના રોકાણનો રોડમેપ પણ સામેલ છે.
આ પણ વાંચો…લે ગઈ દિલ ગુડિયા જાપાન કીઃ પીએમ મોદીને જે દારૂમા ડોલ ભેટમાં મળી તેના વિશે જાણો