ભારતીય એર સ્પેસમાં પાકિસ્તાનના વિમાનો માટે NO ENTRY જ રહેશે, સરકારે ફરી વધાર્યો સમય

નવી દિલ્હી: આતંકવાદી હુમલા જેવી પ્રવૃત્તિઓને સમર્થન આપવા જેવી પાકિસ્તાનની કરતૂતોના કારણે ભારતે તેની સાથેના મોટા ભાગના વ્યવહારો તોડી નાખ્યા છે, જેમાં સિંધુ જળ સંધિ જેવા કરારનો સમાવેશ થાય છે. આ સિવાય પાકિસ્તાનના વિમાનોને ભારતીય હવાઈ ક્ષેત્રમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તાજેતરમાં આ પ્રતિબંધની મુદત લંબાવવામાં આવી છે.
30 એપ્રિલથી લાદ્યો હતો પ્રતિબંધ
કાશ્મીરમાં 22 એપ્રિલ 2025ના રોજ થયેલા પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાની વિમાનો માટે પોતાની એરસ્પેસ બંધ કરી દીધી હતી. ભારતે નોટિસ ટૂ એરમેન (NOTAMs) હેઠળ પાકિસ્તાનના માટે પોતાનો એરસ્પેસ બંધ કરવાનો આદેશ આપ્યો હતો. 30 એપ્રિલથી આ આદેશ અમલમાં મૂકવામાં આવ્યો હતો ત્યાર બાદ આ મુદતને ઘણી વાર વધારવામાં આવી છે.
24 ઓક્ટોબર સુધી વધારાયો પ્રતિબંધ
ભારતે તાજેતરમાં પાકિસ્તાનના વિમાનો માટે પ્રતિબંધની મુદત વધારી છે. ભારત સરકારના નવા આદેશ પ્રમાણે સૈન્ય વિમાનો સહિત કોઈપણ પાકિસ્તાની રજીસ્ટર એરક્રાફ્ટ અથવા પાકિસ્તાની એર લાઈન્સ દ્વારા ખરીદેલા અથવા ભાડે લીધેલા કોઈપણ એરક્રાફ્ટને ભારતીય એરસ્પેસમાં પ્રવેશ મળશે નહીં. આ પ્રતિબંધ 24 ઓક્ટોબર સુધી લાગુ રહેશે.
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલે પહલગામના આતંકી હુમલામાં 26 લોકોના મૃત્યુ થયા હતા. જેની પ્રતિક્રિયાના ભાગરૂપે ભારતે પાકિસ્તાન માટે પોતાનો એરસ્પેસ બંધ કરી હતી, ત્યાર બાદ પાકિસ્તાને પણ ભારતીય વિમાનો માટે પોતાનો એરસ્પેસ બંધ કર્યો હતો.
આપણ વાંચો: બેરોજગારીનો સીધો સંબંધ વોટ ચોરી સાથે છે; રાહુલ ગાંધીના મોદી સરકાર પર પ્રહાર