
નવી દિલ્હી : દેશના લાખો નાના વેપારીઓ અને વ્યવસાયિકો માટે મહત્વના સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેમાં હવે જીએસટી નોંધણી માટે લાંબી રાહ નહિ જોવી પડે. જેની માટે કેન્દ્ર સરકારે 1 નવેમ્બરથી જીએસટી નોંધણી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવી છે. જેના લીધે નાના અને સામાન્ય જોખમ ધરાવતા વ્યવસાય ધારકોને માત્ર ત્રણ દિવસમાં જ નોંધણી નંબર મળી જશે. આ અંગે નાણામંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું કે આ ફેરફારથી લગભગ 96 ટકા નવા અરજદારોને ફાયદો થશે. જેની માટે પહેલા અઠવાડીયાનો સમય લાગતો હતો.
જીએસટી નોંધણીની લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે
આ નવી યોજના હેઠળ હવે બે પ્રકારના વ્યવસાયો આ સુવિધાનો લાભ લઈ શકશે. જેમાં પ્રથમ જેમને જીએસટી સિસ્ટમ તેના ડેટા વિશ્લેષણના આધારે ઓછું જોખમ માનવામાં આવશે. બીજું એવા વ્યવસાયો જે સ્વ-જાહેર કરે છે કે તેમની માસિક કર જવાબદારી રૂપિયા 2.5 લાખથી વધુ નથી. એનો અર્થ એ છે કે નાના અને સુરક્ષિત વ્યવસાયોને હવે જીએસટી નોંધણીની લાંબી પ્રક્રિયામાંથી પસાર નહીં થવું પડે. તેમને ફક્ત ત્રણ દિવસમાં નોંધણીની પ્રક્રિયા પૂર્ણ કરાશે.
જીએસટી કાઉન્સિલે બેઠકમાં યોજનાને મંજૂરી આપી
આ યોજનાને જીએસટી કાઉન્સિલે 3 સપ્ટેમ્બરના રોજ તેની બેઠકમાં મંજૂરી આપી હતી. આ યોજના હેઠળ કોઈપણ વ્યવસાય માલિક સ્વેચ્છાએ જોડાઈ શકે છે અને જરૂર પડ્યે બહાર નીકળી શકે છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ યોજનાની હેતુ નાના વ્યવસાયો પર વહીવટી બોજ ઘટાડવાનો અને અર્થતંત્રમાં તેમના એકીકરણને વેગ આપવાનો છે.
આ પણ વાંચો…જીએસટી 0.2ઃ સંગઠિત એપરલ રિટેલરોની આવકમાં 200 બેસિસ પૉઈન્ટના વધારાની શક્યતા



