ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત, આઈએમએફે જીડીપી અનુમાનમાં વધારો કર્યો…

ન્યુયોર્ક : ભારતમાં સતત વધી રહેલી સ્થિર અને સકારાત્મક આર્થિક પ્રવુતિના પગલે આઈએમએફ ભારતના જીડીપી અનુમાનમાં વધારો કર્યો છે. આઈએમએફે ભારતના આર્થિક વિકાસ દરના અનુમાનમાં વધારો કર્યો છે. જે ભારતીય અર્થતંત્ર માટે સારા સંકેત છે. આઈએમએફે જણાવ્યું છે કે, વર્ષ 2025માં ભારતનો આર્થિક વિકાસ દર 6.7 અને વર્ષ 2026માં 6.4 ટકા રહેવાની ધારણા છે.
ભારતનો વિકાસ સતત અને સ્થિર
ભારતના આર્થિક વિકાસ દરના વધેલા અનુમાન અંગે આઈએમએફના રિસર્ચ ડિપાર્ટમેન્ટના ચીફ ડેનિસ એગને જણાવ્યું હતું કે ભારતનો વિકાસ સતત અને સ્થિર છે. જેમાં વર્ષ 2024માં ભારતનો આર્થિક વિકાસ દર 6.5 ટકા હતો. જયારે વર્ષ 2025માં ભારતનો આર્થિક વિકાસ દર 6.7 અને વર્ષ 2026માં 6.4 ટકા રહેવાની ધારણા છે.
વૈશ્વિક અર્થતંત્ર 3 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા
આ ઉપરાંત જો આપણે આઈએમએફના વૈશ્વિક અર્થતંત્રના વિકાસ દર અનુમાન પર નજર કરીએ તો વર્ષ 2025માં તે 3 ટકા અંદાજવામાં આવ્યો છે. જે વર્ષ 2024માં 2.3 ટકા હતો. જયારે વર્ષ 2026 માં વૈશ્વિક અર્થતંત્ર 3.1 ટકાના દરે વૃદ્ધિ પામવાની ધારણા છે. જયારે આઈએમએફે યુએસ અર્થતંત્રના વિકાસ દરનો અંદાજ સુધારીને 1.9 ટકા કર્યો છે. તેમજ વર્ષ 2026 માં આર્થિક વિકાસ દર 2 ટકા રહેવાની ધારણા છે.