સરકારે 114 રાફેલ જેટ ખરીદવા 3.25 લાખ કરોડની ડીલને મંજુરી આપી! વાયુસેનાની શક્તિમાં વધરો થશે

નવી દિલ્હી: ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની આગેવાની હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કમિટી (DAC) એ ગુરુવારે ભારતની ત્રણેય સેના દ્વારા મોકલવામાં આવેલી એક્વિઝિશન પ્રપોઝલ્સને મંજૂરી આપી દીધી છે. જેમાં ફ્રાન્સ પાસેથી 114 રાફેલ ફાઇટર જેટ ખરીદવાના મોટા સોદાનો પણ સમાવેશ થાય છે.
આ મહિનાના અંતમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન ભારતની મુલાકાતે આવવાના છે, એ પહેલા આ મેગા ડીલને મંજુરી આપવામાં આવી છે, અહેવાલ મુજબ આ સોદો રૂ.3.25 લાખ કરોડનો હશે, જેને ભારતની અત્યાર સુધીની સૌથી મોટી ફાઈટર એરક્રાફ્ટ ડીલ ગણાવવામાં આવી રહી છે.
ડિફેન્સ પ્રોક્યોરમેન્ટ બોર્ડે ગત મહીને ફ્રાંસ પાસેથી રાફેલ વિમાન ખરીદવાની દરખાસ્તને મંજૂરી આપી હતી. અહેવાલ મુજબ રાફેલ વિમાન બનાવતી ફ્રાંસની દસોલ્ટ એવિએશન સાથે ઔપચારિક વાટાઘાટો પણ પૂર્ણ કરવામાં આવી છે. જો કે આ સોદા અંગે સરકાર દ્વારા હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
આપણ વાચો: ભારતીય સેનાની તાકાતમાં ધરખમ વધારો: ₹ 80,000 કરોડના ડિફેન્સ સોદાને મળી મંજૂરી…
વાયુસેનામાં વિમાનોની અછત!
નોંધનીય છે કે ભારતની ચીન અને પાકિસ્તાન સાથેની સરહદો પર તણાવ સતત વધી રહ્યો છે, બીજી તરફ ભારતીય વાયુ સેના ફાઈટર જેટની તીવ્ર અછતમાંથી પસાર થઇ રહી છે. સીમા વિસ્તારને ધ્યાનમાં રાખતા વાયુ સેના પાસે 42ની સ્ક્વોડ્રન સામે લગભગ 29 સ્ક્વોડ્રન જ છે.
ગત વર્ષે ઓપરેશન સિંદુર દરમિયાન રફાલ વિમાને તેની કાર્યક્ષમતાનો પરચો બતાવ્યો હતો. એર સ્ટ્રાઈકના હીરો રહેલા રાફેલ વિમાનો એ પાકિસ્તાન અને PoKમાં આવેલા આતંકવાદી ઠેકાણાંનો નાશ કર્યો હતો. હવે વાયુ સેનાને વધુ રફાલ મળતા તેની કાર્ય ક્ષમતામાં નોંધપાત્ર વધારો થશે.
80 ટકા પાર્ટ્સ ભારતમાં બનશે!
આ ડીલની સત્તાવાર વિગતો હજુ સુધી આપવામાં આવી નથી, અહેવાલ મુજબ 144માંથી 88 રાફેલ સિંગલ-સીટ અને 26 ટ્વીન-સીટ વેરિયન્ટ્સના હશે. 18 રાફેલ જેટ ફ્લાય-અવે કંડીશનમાં આપવામાં આવશે, જ્યારે બાકીના 96 જેટ ભારતમાં એસેમ્બલ કરવામાં આવશે.
લગભગ 80 ટકા પાર્ટ્સ ભારતમાં બનાવવામાં આવશે. જેના માટે દસોલ્ટ એવિએશન ભારતમાં મેન્યુફેક્ચરિંગ, એસેમ્બલી અને સપોર્ટ માટે ભારતીય ખાનગી ક્ષેત્રની કંપનીઓ સાથે ભાગીદારી કરી શકે છે.
અહેવાલ મુજબ DACએ દરિયાઈ ક્ષેત્રોમાં દેખરેખ અને સબમરીનને ટાર્ગેટ બનાવી શકતા છ વધુ P-8Iની ખરીદીને મંજૂરી આપી દીધી છે, આ વિમાનો યુએસ પાસેથી ખરીદવામાં આવશે.



