નેશનલવેપાર

અમેરિકા ખાતે નિકાસ ઘટતાં, ભારતે નિકાસ વિકેન્દ્રિત કરીઃ એસબીઆઈ રિસર્ચ

નવી દિલ્હીઃ ગત જુલાઈ, 2025થી ભારતની અમેરિકા ખાતેની નિકાસમાં ઘટાડો થયો છે, પરંતુ અન્ય દેશો ખાતેની નિકાસમાં વધારો થયો છે, જે દર્શાવે છે કે ભારતે તેનાં ઉત્પાદનોની નિકાસ કેટેગરીના બાસ્કેટનું વિકેન્દ્રીકરણ કર્યું છે, એમ સ્ટેટ બૅન્ક ઑફ ઈન્ડિયા (એસબીઆઈ)એ તેના રિસર્ચ રિપોર્ટમાં જણાવ્યું છે.

પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત એપ્રિલથી સપ્ટેમ્બર, 2025 દરમિયાન દેશની કુલ મર્કન્ડાઈઝ નિકાસ ગત સાલના સમાનગાળાના 214 અબજ ડૉલર સામે 2.9 ટકા વધીને 220 અબજ ડૉલરની સપાટીએ રહી છે. આ સમયગાળા દરમિયાન અમેરિકા ખાતેની નિકાસ ગત સાલના સમાનગાળાના 45 અબજ ડૉલર સામે 13 ટકા વધીને 45 અબજ ડૉલરની સપાટીએ રહી હતી. જોકે, તેમાં ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની નિકાસમાં આગલા વર્ષમાં જોવા મળેલા 12 ટકાના વૃદ્ધિદર સામે નકારાત્મક વૃદ્ધિદર રહ્યો હોવાનું એસબીઆઈના રિસર્ચ રિપોર્ટ `ઈકોરેપ’માં જણાવ્યું હતું.

આ પણ વાંચો: ઑક્ટોબર મહિનામાં દેશની મર્કન્ડાઈઝ નિકાસમાં ઘટાડોઃ ક્રિસિલ

વધુમાં અહેવાલમાં જણાવાયું છે કે ભારતની કુલ નિકાસ પૈકી અમેરિકા ખાતેની નિકાસના હિસ્સામાં ગત જુલાઈ, 2025 પછીથી ઘટાડો શરૂ થયો હતો અને ગત સપ્ટેમ્બરમાં 15 ટકાનો ઘટાડો આવ્યો છે. જેમાં ખાસ કરીને દરિયાઈ ઉત્પાદનો, પ્રીસિયસ અને સેમી પ્રિસિયસ રત્નો, રેડીમેડ કોટન ગાર્મેન્ટ્સ અને કોટનનાં ફેબ્રિક્સની નિકાસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે.
અત્રે રસપ્રદ બાબત એ છે કે આ સમયગાળા દરમિયાન અન્ય દેશોમાં થયેલી મર્કન્ડાઈઝ નિકાસમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે, જે આપણે વિવિધ કેટેગરીમાં યુએઈ, ચીન, વિયેટનામ, જાપાન અને હૉંગકૉંગ ઉપરાંત બાંગ્લાદેશ, શ્રીલંકા અને નાઈજીરિયા જેવાં દેશો તરફ નિકાસ બાસ્કેટનું વિકેન્દ્રીકરણ કર્યું છે. તો શું એવું ના બની શકે કે આ દેશોએ ભારતમાંથી ખરીદી કર્યા પછી અમેરિકા ખાતે વધુ નિકાસ કરી રહ્યા છે ?

એસબીઆઈના અહેવાલ અનુસાર જાન્યુઆરીથી ઑગસ્ટ, 2025 દરમિયાન ભારતથી ઑસ્ટ્રેલિયા ખાતે મોતી, પ્રીસિયસ અને સેમી પ્રીસિયસ રત્નોની નિકાસ વૃદ્ધિ જે અગાઉ બે ટકા હતી તે વધીને આ વર્ષે સાત ટકાના સ્તરે રહી છે. તે જ પ્રમાણે હૉંગકૉંગ ખાતેની નિકાસ પણ ગત સાલની એક ટકાની વૃદ્ધિ સામે બે ટકાની વૃદ્ધિ જોવા મળી છે.

આ પણ વાંચો: ઑક્ટોબરમાં ટેક્સ્ટાઈલ નિકાસમાં 12.9 ટકાનો ઘટાડોઃ રાહતલક્ષી પગલાંનો ઉદ્યોગનો અનુરોધ

અહેવાલમાં ઉમેર્યું હતું કે ભારતની અમેરિકા સાથેની વાટાઘાટોમાં ભારત ઉચ્ચતમ ટેરિફ માળખામાંથી બહાર આવવાની ઈચ્છા દર્શાવે છે, જ્યારે ગયા મહિને થયેલા વ્યૂહાત્મક સંરક્ષણ સોદાઓ વાટાઘાટોમાં સકારાત્મક વાજબી ઉકેલની સંભાવનાઓમાં વધારો કરે છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે કે ઊંચા ટૅરિફને કારણે દેશની ટેક્સ્ટાઈસ, જ્વેલરી, દરિયાઈ ઉત્પાદનોમાં ખાસ કરીને ઝીંગા અને શ્રમલક્ષી ક્ષેત્રો જે મામૂલી નફા સાથે નિકાસ કરે છે તેની નિકાસ પર માઠી અસર પડી છે.

જોકે, નિકાસકારોને ટેકો આપવા માટે સરકારે રૂ. 45,060 કરોડને મંજૂરી આપી છે જેમાં બૅન્ક લોન પરની ક્રેડિટ ગૅરૅન્ટી સ્કીમના રૂ. 20,000 કરોડનો સમાવેશ થાય છે. જેથી ભારતીય નિકાસકારો વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં વધારો કરી શકે અને અન્ય ઊભરતી બજારોમાં નિકાસ વિકેન્દ્રિત કરી શકે, એમ અહેવાલમાં ઉમેર્યું હતું.

Ramesh Gohil

વેપાર-વાણિજ્ય ક્ષેત્રના સિનિયર પત્રકાર. મુંબઈ સમાચારમાં 18 વર્ષથી કટાર લેખક તરીકે સોના-ચાંદી, કોમોડિટી વિષય પર આર્ટિકલ લખવાની સાથે ડેઈલી વેપાર-વાણિજ્ય પેજ બનાવવાના અનુભવી.

સંબંધિત લેખો

Back to top button