ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ‘મધર ઓફ ઓલ ડીલ્સ’, પાંચ વર્ષમાં નિકાસ બમણી થશે…

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પીયૂષ ગોયલે ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે થયેલા મુક્ત વ્યાપાર કરાર (FTA) ને ભારતીય અર્થતંત્ર માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાવ્યો છે. તેમણે આ ઐતિહાસિક સમજૂતીને ‘મધર ઓફ ઓલ ડીલ્સ’ (સૌથી મોટી સમજૂતી) તરીકે ઓળખાવી છે. આ કરારને કારણે આગામી પાંચ વર્ષમાં યુરોપમાં ભારતની નિકાસ બમણી થવાની ધારણા છે. મંત્રીએ ખૂબ જ રસપ્રદ રીતે સમજાવ્યું કે આ કરાર એક ‘માતા’ સમાન દયાળુ અને પ્રેમાળ રહેશે, જે ભારત અને યુરોપના 27 દેશો સહિત તમામ 28 ‘બાળકો’ ના હિતોનું ધ્યાન રાખશે અને દરેકને તેનો લાભ મળશે.
99% ભારતીય નિકાસ થશે ટેક્સ ફ્રી
આ સમજૂતીની સૌથી મોટી વિશેષતા એ છે કે કરાર લાગુ થવાના પ્રથમ દિવસથી જ ભારતની 99% નિકાસને યુરોપિયન માર્કેટમાં ડ્યુટી-ફ્રી (કર મુક્ત) એન્ટ્રી મળશે. હાલમાં ભારત યુરોપિયન યુનિયન સાથે વેપારમાં સરપ્લસની સ્થિતિમાં છે, એટલે કે આપણે ત્યાંથી આયાત કરવા કરતા વધુ નિકાસ કરીએ છીએ. વર્ષ 2024-25માં ભારતની કુલ નિકાસમાં વસ્તુઓની નિકાસ 76 અબજ ડોલર અને સેવાઓની નિકાસ 46 અબજ ડોલર રહી હતી. હવે આ નવી સમજૂતી બાદ ભારતીય ઉદ્યોગ સાહસિકો પાસે વૈશ્વિક સ્તરે પોતાની ક્ષમતા વિસ્તારવાની સુવર્ણ તક છે.
પીયૂષ ગોયલે ભાર મૂક્યો હતો કે આ મુક્ત વ્યાપાર કરારના સૌથી મોટા હિતધારક ગ્રાહકો છે. કરાર લાગુ થવાથી વસ્તુઓ પરનો ટેક્સ ઘટશે, જેના કારણે બજારમાં સામાન સસ્તો થશે. તેમણે સ્થાનિક ઉદ્યોગપતિઓને અપીલ કરી છે કે તેઓ આ તકનો લાભ ઉઠાવી રોકાણ વધારે અને પોતાની ઉત્પાદન ક્ષમતામાં વધારો કરે. આ સમજૂતી માત્ર વેપાર પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ભારતના 2 ટ્રિલિયન ડોલરના નિકાસ લક્ષ્યાંકને વર્ષ 2032 સુધીમાં હાંસલ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે.
યુરોપિયન યુનિયન બાદ હવે ભારતની નજર અમેરિકા સાથેના વ્યાપારી કરારો પર છે. મંત્રીએ અમેરિકા સાથેના સંભવિત કરારને ‘ફાધર ઓફ ઓલ ડીલ્સ’ ગણાવ્યો હતો અને જણાવ્યું હતું કે ભારત આ દિશામાં પણ ઝડપથી આગળ વધી રહ્યું છે. અમેરિકા સાથે ચાલી રહેલી વાતચીત સકારાત્મક વળાંક પર છે. ભારત જે રીતે વિશ્વની મહાસત્તાઓ સાથે મજબૂત આર્થિક જોડાણો કરી રહ્યું છે, તે જોતા ભારત આગામી દાયકામાં વિશ્વનું સૌથી મોટું નિકાસ હબ બનવા તરફ અગ્રેસર છે.



