ભારતની ચીન પર ડિજિટલ સ્ટ્રાઈક, ગ્લોબલ ટાઇમ્સના એકસ હેન્ડલ પર પ્રતિબંધ

નવી દિલ્હી : ભારત અને પાકિસ્તાન તણાવ વચ્ચે ભારતે પાકિસ્તાન બાદ હવે ચીન પર પણ ડિજિટલ સ્ટ્રાઈક કરી છે. જેમાં કેન્દ્ર સરકારે સતત ભારત વિરુદ્ધ ખોટી માહિતી ફેલાવવા બદલ ભારતમાં ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઈમ્સના એકસ એકાઉન્ટ પર પ્રતિબંધ મૂક્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે આ એકાઉન્ટ દ્વારા ભારતીય સેના વિશે ખોટા અને અપ્રમાણિત દાવાઓ ફેલાવવામાં આવ્યા બાદ આ પગલું લેવામાં આવ્યું હતું.
ભારતીય દૂતાવાસે કડક ચેતવણી આપી હતી
ચીનના મુખપત્ર ગ્લોબલ ટાઇમ્સ દ્વારા સતત ફેલાવવામાં આવી રહેલા પ્રચાર અંગે ભારતીય દૂતાવાસે કડક ચેતવણી આપી હતી. બેઇજિંગમાં ભારતીય દૂતાવાસે ગ્લોબલ ટાઇમ્સ ન્યૂઝને ચેતવણી આપી હતી કે, ” કોઈપણ ભ્રામક માહિતી પોસ્ટ કરતા પહેલા તથ્યો તપાસો અને સ્ત્રોતોની ચકાસણી કરો.”
ગ્લોબલ ટાઈમ્સ પર આ ખોટી માહિતી ફેલાવવાનો આરોપ
ઉલ્લેખનીય છે કે, આ સમગ્ર મામલો ઓપરેશન સિંદૂર પછીનો છે. જેમાં કેટલાક પાકિસ્તાની મીડિયા અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સે દાવો કર્યો હતો કે ભારતીય વાયુસેનાના રાફેલ વિમાનને બહાવલપુર નજીક તોડી પાડવામાં આવ્યું હતું. ગ્લોબલ ટાઈમ્સ પર આ ખોટી માહિતી ફેલાવવાનો અને મુખ્ય ન્યૂઝ તરીકે છાપવાનો આરોપ છે.
આપણ વાંચો: જો કોઈ આપણને છંછેડશે તો તેને છોડીશું નહીંઃ તિરંગા યાત્રામાં યોગીનો પાકિસ્તાન પર પ્રહાર
પીઆઇબી ફેક્ટ ચેક ટીમે દાવાઓ ફગાવ્યા હતા
આ ઉપરાંત પીઆઇબી ફેક્ટ ચેક ટીમે આ દાવાઓ અંગે વાઇરલ થઈ રહેલી તસવીરને ભ્રામક અને જૂની ગણાવી હતી. તેમાં સ્પષ્ટતા કરવામાં આવી હતી કે આ તસવીર વાસ્તવમાં 2021 માં પંજાબના મોગા જિલ્લામાં થયેલા મિગ-21 ક્રેશની છે અને તેનો વર્તમાન ઓપરેશન સિંદૂર સાથે કોઈ સંબંધ નથી.