
નવી દિલ્હી : ભારતીય હવામાન વિભાગના જણાવ્યા બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાઈ રહ્યું છે. તેમજ તે આજે ચક્રવાત મોંથામાં ફેરવાશે જેની અસર ત્રણ દિવસ સુધી દરિયાકાંઠાના રાજ્યોમાં જોવા મળશે. દક્ષિણ પૂર્વ બંગાળની ખાડીમાં બનેલ આ સિસ્ટમ પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે અને 26 ઓક્ટોબર સુધીમાં ખૂબ જ ઓછા દબાણમાં અને 27 ઓક્ટોબરની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં પરિણમશે. ત્યારબાદ તે 28 ઓક્ટોબરે આંધ્રપ્રદેશના મછલીપટ્ટનમ અને કલિંગપટ્ટનમ વચ્ચે કાકીનાડા નજીક લેન્ડફોલ થવાની શક્યતા છે.
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રીએ સમીક્ષા બેઠક યોજી
હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આ ચક્રવાતના લીધે પવનની ગતિ 110 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચવાની ધારણા છે. તેમજ આ વાવાઝોડું 28 ઓક્ટોબરની સાંજે અથવા રાત્રે ત્રાટકવાની સંભાવના છે. આ દરમિયાન આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુએ તમામ જિલ્લા કલેક્ટરો, પોલીસ અધિક્ષકો અને વરિષ્ઠ અધિકારીઓને સતર્ક રહેવા નિર્દેશ આપ્યો છે. તેમણે તૈયારીઓની સમીક્ષા કરવા માટે એક ઈમરજ્ન્સી બેઠક યોજી હતી.
ચક્રવાત મોંથાની અસર 26 થી 29 ઓક્ટોબર સુધી અનુભવાશે
આ ઉપરાંત ચક્રવાત મોંથાની અસર 26 થી 29 ઓક્ટોબર સુધી રાજ્યમાં અનુભવાશે. રાજ્ય સરકારે રેડ એલર્ટ જાહેર કર્યું છે. તેમણે જણાવ્યું હતું કે વાવાઝોડા શ્રીકાકુલમથી તિરુપતિ સુધીના વિસ્તારોને અસર કરી શકે છે. જેમાં ઘણા વિસ્તારોમાં 100 મીમી સુધી વરસાદ અને ભારે પવન ફૂંકાય તેવી શક્યતા છે.
પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના
બંગાળની ખાડીમાં લો પ્રેશર ઝોન સર્જાતા 27 ઓક્ટોબરથી પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના અને દક્ષિણ જિલ્લાઓમાં ભારે વરસાદની સંભાવના છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર સોમવારથી દક્ષિણ 24 પરગણા, ઝારગ્રામ, પૂર્વ અને પશ્ચિમ મિદનાપુર જિલ્લાના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચો…અંદમાન અને નિકોબાર ટાપુ માટે ‘ચક્રવાત’ની ચેતવણી જારી



