ભારતમાં વિકિપીડિયા પર લાગી શકે છે બેન? કોર્ટે કહ્યું કે અમે સરકારને ભલામણ કરશું કે….

નવી દિલ્હી: દિલ્હી હાઈકોર્ટ દ્વારા વિકિપીડિયાને ફટકાર લગાવવામાં આવી છે. સમાચાર એજન્સી ANI વિશે ખોટી માહિતી ધરાવતા પેજમાં સુધારો કરવાના મામલે કોર્ટે ફટકાર લગાવી છે. કોર્ટે કહ્યું છે કે જો વિકિપીડિયાને ભારત પસંદ નથી, તો અહીં કામ ન કરો અને આ મામલે ભારત સરકારને ભલામણ પણ કરી શકાય કે તે ભારતમાં વિકિપીડિયાને બ્લોક કરે. વિકિપીડિયાએ ANIના પેજમાં ફેરફાર કરનારા લોકોની માહિતી આપવા માટેના આદેશનું પાલન ન કરતાં કોર્ટે તેને અદાલતના તિરસ્કારની નોટિસ ફટકારી છે.
સમાચાર એજન્સી ANIએ વિકિપીડિયા વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો અને તેમ આરોપ લગાવવામાં આવ્યો છે કે તેના પેજ પર કરવામાં આવેલ સુધારો બદનક્ષીપૂર્ણ હતો અને તેને પ્રોપેગેંડા તરીકે દર્શાવવામાં આવ્યો હતો. આ મામલે કોર્ટે વિકિપીડિયાને આદેશ આપ્યો હતો કે પેજમાં ફેરફાર કરનારા ત્રણ લોકો વિશે માહિતી આપે, પરંતુ આદેશનું પાલન ન થતાં ANIએ ફરી કોર્ટમાં અરજી કરી હતી.
આ કેસનમાં વિકિપીડિયાના વકીલે દલીલ કરી હતી કે વિકિપીડિયાનું સંચાલન ભારતમાંથી નથી થતું અને તેમને કોર્ટમાં તેનો પક્ષ રાખવા માટે સમયની માંગ કરી હતી. જસ્ટિસ નવીન ચાવલાએ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે અગાઉ પણ આવી જ દલીલ કરવામાં આવી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી. કોર્ટે વિકિપીડિયાને અદાલતી તિરસ્કારની નોટિસ પાઠવીને કહ્યું કે જો તેઓ આદેશનું પાલન નહીં કરે તો તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે અને વિકિપીડિયાને બ્લોક કરવાની ભલામણ પણ કરવામાં આવી શકે છે. આ કેસની આગામી સુનાવણી ઓક્ટોબરમાં થશે.