ઇન્ટરનેશનલનેશનલ

અમેરિકાના પ્રતિબંધોને કારણે રશિયાએ ઘટાડ્યા ક્રૂડ ઓઇલના ભાવ, જાણો ભારતને ફાયદો થયો કે નુકસાન?

ટ્રમ્પના કડક પ્રતિબંધો બાદ રશિયન તેલ કંપનીઓ પર અસર, ભારત-ચીને ખરીદી ઘટાડતા રશિયાએ આપ્યું ડિસ્કાઉન્ટ

મોસ્કો/નવી દિલ્હીઃ રશિયા અને અમેરિકા પણ અત્યારે એકબીજાના વિરોધમાં ચાલી રહ્યાં છે. ડોનાલ્ડ ટ્રમ્પના પ્રતિબંધો હવે રશિયાની મુખ્ય તેલ કંપનીઓ પર અમલમાં આવવા લાગ્યા છે. રશિયાના તેલના બે સૌથી મોટા ખરીદદારો ભારત અને ચીને ટ્રમ્પ દ્વારા પ્રતિબંધિત રશિયન તેલ કંપનીઓ રોઝનેફ્ટ અને લુકોઇલ પાસેથી તેમની ખરીદી ઓછી કરી હોવાના અહેવાલો મળ્યાં છે. વેપારમાં સતત આવી રહેલા ઘટાડાના કારણે રશિયાએ તેલના ભાવમાં ઘટાડો કર્યો હોવાના પણ અહેવાલો મળ્યા છે.

યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ પ્રતિ બેરલે 4 ડોલર ઘટ્યો

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે રશિયાએ ભારત અને ચીનને તેલની ખરીદી પર ડિસ્કાઉન્ટ વધારી દીધું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો રશિયાની મોટી કંપની યુરલ્સ ક્રૂડ ઓઇલનો ભાવ ડિસેમ્બર ડિલિવરીના બ્રેન્ટ ઓઇલના ભાવ કરતાં લગભગ પ્રતિ બેરલે 4 ડોલર ઘટી ગયો છે. અમેરિકાના રાષ્ટ્રપતિએ રશિયાની તેલ કંપની લ્યુકોઇલ અને રોઝનેફ્ટ પર કડક પ્રતિબંધો લગાવ્યાં હતાં. એટલું જ નહીં, 21 નવેમ્બર સુધી આ કંપનીઓ પાસેથી તમામ પ્રકારનો વેપાર બંધ કર્યો હતો. જેની અસર હવે જોવા મળી રહી છે. જોકે, તેના કારણે ભારતને ફાયદો થશે તેવુ નિષ્ણાતો માની રહ્યાં છે.

આ પણ વાંચો : રશિયાનું ક્રૂડ ઓઇલ ટેન્કર ભારત પહોંચતા પહેલા જ પાછું ફર્યું! અમેરિકાના દબાણને ભારત પર થશે અસર

ક્રૂડ ઓઈલની ખરીદી ના થતા રશિયાને મોટું નુકસાન

ભારતની પાંચ કંપનીઓ રશિયન તેલ આયાતમાં આશરે 65% હિસ્સો ધરાવે છે. જેમાં અમેરિકાના પ્રતિબંધો બાદ મુખ્ય ભારતીય રિફાઇનર્સ – હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન, ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન, મેંગલોર રિફાઇનરી અને પેટ્રોકેમિકલ્સ, HPCL-મિત્તલ એનર્જી અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ડિસેમ્બર ડિલિવરી માટે રશિયન તેલના ઓર્ડર અટકાવી દીધા હતાં. આ સાથે ચીનની પણ સરકારી તેલ કંપનીઓએ રશિયા પાસેથી તેલની ખરીદી થોડા સમય માટે બંધ કરી દીધી હતી. આ કારણે રશિયાને મોટું નુકસાન થઈ રહ્યું છે. શાયદ એટલા માટે અત્યારે તેલની ખરીદી પર છૂટ આપવામાં આવી રહી છે.

આ પણ વાંચો : ઇઝરાયલના ઈરાન પરના હુમલા બાદ ક્રૂડ ઓઇલના ભાવમાં વિક્રમી વધારો, હજુ વઘવાની શક્યતા

રશિયાનું બજાર હવે બે વિભાગમાં વેચાયું

અત્યારે રશિયામાં સ્થિતિ ખૂબ જ વિકટ બની છે. રશિયાનું બજાર હવે બે વિભાગમાં વેચાઈ ગયું છે. જે કંપનીઓ પર પ્રતિબંધ નથી તે કંપનીઓનું તેલ ઊંચી કિંમતે વેચાઈ રહ્યું છે, જ્યારે જે કંપની પર પ્રતિબંધ નથી તેઓ ખરીદી પર છૂટ આપવા માટે મજબૂર બની છે. થોડી સમયમાં રશિયાના રાષ્ટ્રપતિ ભારતના પ્રવાસે આવતા હોવાની વાતો ચાલી રહી છે, તેમાં ભારતમાં રશિયાના તેલની માંગ ઘટતી હોવાના અહેવાલો મળી રહ્યાં છે.

આ પણ વાંચો : અમેરિકા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાથી શું ભારતને ટેરિફમાં મળશે રાહત?

રશિયાનું તેલ ના ખરીદવા માટે અમેરિકાનું દબાણ

અમેરિકાએ ભારત પર દબાણ કર્યું હતું કે, ભારત રશિયા પાસેથી તેલ ખરીદવાનું બંધ કરે પરંતુ ભારતે તેનો જવાબ આપી દીધો હતો. છતાં પણ અમેરિકા અત્યારે ભારત અને ચીન પર રશિયાનું તેલ નહીં ખરીદવા માટે દબાણ કરી રહ્યું છે. આ મામલે વિશ્લેષકોનું કહેવું છે કે વધતી જતી ડિસ્કાઉન્ટની શરતો રશિયાની આર્થિક સ્થિતિને વધુ નબળી બનાવી શકે છે, પરંતુ મૂળ વાત એ છે કે રશિયા પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button