ભારત-ચીન વચ્ચે પાંચ વર્ષ પછી સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ, આજે રાત્રે પ્રથમ ફ્લાઇટ કોલકાતાથી ગ્વાંગઝુ ઉડાન ભરશે

પાંચ વર્ષ પછી ભારત અને ચીન વચ્ચે સીધી હવાઈ સેવાઓ ફરી શરૂ થઈ રહી છે, જે માત્ર પરિવહનની સુવિધા જ નહીં પરંતુ બંને દેશોના સંબંધોમાં આવતી હૂંફનું પણ પ્રતીક છે. આજે રાત્રે 10 વાગ્યે કોલકાતાથી ઇન્ડિગોની પ્રથમ ફ્લાઇટ ગ્વાંગઝુ માટે ઉડાન ભરશે.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને આ નિર્ણયને ‘લોકો વચ્ચે જોડાણ વધારનાર સકારાત્મક પગલું’ ગણાવ્યું. તેમણે કહ્યું કે આ બંને દેશો વચ્ચેની સમજણનું તાજું પરિણામ છે અને ચીન લાંબા ગાળાના સ્થાયી સંબંધો માટે તૈયાર છે.
ચીની દૂતાવાસની પ્રવક્તા યુ જિંગે સોશિયલ મીડિયા પર જણાવ્યું કે કોલકાતા-ગ્વાંગઝુ આજથી અને દિલ્હી-શંઘાઈનો ફ્લાઈટ રૂટ 9 નવેમ્બરથી સપ્તાહમાં ત્રણ વખત ચાલશે.
આપણ વાચો: ભારત અને ચીન વચ્ચે સીધી ફ્લાઇટ્સ સેવા શરુ થશે, ચીને કહ્યું આ મિત્રતાની નવી ઉડાન…
2020માં કોવિડ-19 અને લદ્દાખ સીમા વિવાદને કારણે ઉડાનો બંધ થઈ હતી, જેના કારણે ચાર વર્ષ સુધી સંબંધો ઠંડા રહ્યા. પરંતુ સૈન્ય અને કૂટનીતિક વાટાઘાટો પછી વિવાદિત વિસ્તારોમાંથી સૈનિકો હટાવવાની સહમતિ બની.
ગયા વર્ષે SCO સમિટમાં પીએમ મોદી અને પ્રધાન મંત્રી શી જિનપિંગની મુલાકાતે સંબંધોને નવી દિશા આપી, જેનું પરિણામ આજે ઉડાન પુનઃસ્થાપના સ્વરૂપે દેખાય છે.
હાલ સપ્તાહમાં ત્રણ ઉડાનો ચાલશે, જે માગ પ્રમાણે વધી શકે છે. વિદ્યાર્થીઓ, વેપારીઓ અને પરિવારોને મોટી રાહત મળશે, જેઓ પાંચ વર્ષથી સીધી કનેક્ટિવિટીથી વંચિત હતા. 2020 પહેલા દર વર્ષે 10 લાખથી વધુ લોકો આ માર્ગે મુસાફરી કરતા હતા. એક વેપાર વિશ્લેષકે કહ્યું કે ‘આ હવામાં નાનું પગલું છે, પરંતુ જમીન પર મોટો સંદેશ – બંને દેશ વિવાદો છતાં સહકારની નવી શરૂઆત કરી રહ્યા છે.’



