રાજનાથ સિંહના પ્રવાસ અંગે ચીને કહ્યું- ભારત સાથેનો સરહદ વિવાદ જટિલ, ઉકેલવામાં સમય લાગશે

નવી દિલ્હીઃ ભારત સાથે ચીનનો સરહદ વિવાદ જટિલ છે, તેનું સમાધાન થવામાં સમય લાગશે તેમ ચીને સોમવારે જણાવ્યું હતું. જોકે સરહદ પર શાંતિ રહે તે માટે ચર્ચા કરવા તૈયાર છે. ભારતના રક્ષા પ્રધાન રાજનાથ સિંહ અને ચીનના રક્ષા પ્રધાન ડોંગ જૂન વચ્ચે કિંગદાઓમાં થયેલી એસસીઓ ડિફેન્સ પ્રધાનના સંમેલન દરમિયાન દ્વિપક્ષીય બેઠક થઈ હતી. જેમાં રાજનાથ સિંહે એલઓસી પણ તણાવ ઘટાડવા સરહદનો સ્પષ્ટ રોડમેપનો પ્રસ્તાવ આપ્યો હતો. તેમજ સીમાંકન માટે વર્તમાન તંત્રને સક્રિય કરવા આહ્વાન કર્યું હતું. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગને રક્ષામંત્રી રાજનાથ સિંહના નિવેદન પર ટિપ્પણી કરવા કહ્યું ત્યારે તેમણે કહ્યું કે, બંને દેશોએ પહેલા જ વિશેષ પ્રતિનિધિ તંત્ર સ્થાપિત કરી લીધા છે.
સિંહ અને ડોંગે ચિંગદાઓમાં શંઘાઈ સહયોગ સંગઠનના સંમેલનની બાજુમાં દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી. જેમાં વાસ્તવિક નિયંત્રણ રેખા પર શાંતિ અને સ્થિરતા જાળવવા પર વાત કરવામાં આવી હતી. રક્ષામંત્રીની ટિપ્પણી અંગે ચીનની પ્રતિક્રિયા પૂછવામાં આવતા, વિદેશ મંત્રાલયના પ્રવક્તા માઓ નિંગએ જણાવ્યું કે, હું તમને કહી શકું છું કે ચીન અને ભારતે સરહદ સંબંધિત વિષય પર વિશેષ ટીમની સ્થાપના કરી છે અને ચીન-ભારત સરહદ સંબંધિત મુદ્દાઓના નિરાકરણ માટે રાજકીય માપદંડો અને માર્ગદર્શક સિદ્ધાંતો પર સહમતિ બનાવવામાં આવી છે.

તેમણે કહ્યું કે બંને પક્ષો વચ્ચે વિવિધ સ્તરે કૂટનીતિક અને સૈન્ય સંચાર તંત્ર છે. નિંગે જણાવ્યું કે, ચીન ભારત સાથે સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખવા તેમજ સરહદ પાર આદાન-પ્રદાન અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે.
વિશેષ પ્રતિનિધિ સ્તરની 23 રાઉન્ડની વાટાઘાટો છતાં સરહદ મુદ્દાને ઉકેલવામાં થઈ રહેલી વિલંબ વિશે પૂછવામાં આવતા નિંગે કહ્યું કે, સરહદનો પ્રશ્ન જટિલ છે અને તેને ઉકેલવામાં સમય લાગે છે. સકારાત્મક બાબત એ છે કે બંને દેશોએ પહેલાથી જ સંવાદ માટે વિવિધ સ્તરે તંત્ર સ્થાપિત કરી લીધા છે. અમને આશા છે કે ભારત ચીન સાથે આ જ દિશામાં કામ કરશે, સંબંધિત મુદ્દાઓ પર સંવાદ ચાલુ રાખશે અને સરહદી વિસ્તારોમાં શાંતિ અને સ્થિરતા જાળવી રાખશે.
વિશેષ પ્રતિનિધિઓના રૂપમાં 23મી બેઠક રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલ અને ચીની વિદેશ પ્રધાન વાંગ યી વચ્ચે ગયા વર્ષે ડિસેમ્બરમાં થઈ હતી. ભારત તરફથી જારી કરાયેલા એક નિવેદન અનુસાર, ડોંગ સાથેની બેઠકમાં રક્ષા પ્રધાન સારા સંબંધો જાળવી રાખવા માટે સારા પડોશની પરિસ્થિતિઓ કાયમ કરવાની આવશ્યકતા પર ભાર મૂક્યો હતો.