જાતિ આધારિત વસ્તી ગણતરી જ Karpoori Thakurને સાચી શ્રદ્ધાંજલિ: Rahul Gandhi
નવી દિલ્હી: બિહારના પૂર્વ મુખ્યપ્રધાન અને દિગ્ગજ સમાજવાદી નેતા કર્પૂરી ઠાકુરને મરણોપરાંત ભારત રત્ન આપવાના કેન્દ્ર સરકારના નિર્ણય અંગે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું હતું કે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવાય એ જ કર્પૂરી ઠાકુરને સાચી શ્રદ્ધાંજલિ હશે. આપણા દેશને ‘સાંકેતિક રાજકારણ’ નહિ પરંતુ ‘વાસ્તવિક ન્યાય’ જોઇએ છે.
આજે કર્પૂરી ઠાકુરની 100મી જન્મજયંતિ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ મુકીને જણાવ્યું હતું કે “સામાજીક ન્યાયના અપ્રતિમ યોદ્ધા જનનાયક કર્પૂરી ઠાકુરજીને તેમની જન્મ શતાબ્દિ નિમિત્તે શ્રદ્ધાંજલિ. તેઓ દેશના એક અણમોલ રત્ન છે અને તેમને મરણોપરાંત ભારત રત્ન આપવાના નિર્ણયનું સ્વાગત છે.”]
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વર્ષ 2011માં થયેલી વસ્તી ગણતરીના પરિણામોને છુપાવવા તથા રાષ્ટ્રવ્યાપી જનગણના પ્રત્યે ભાજપ સરકારની ઉદાસીનતા સામાજીક ન્યાયના આંદોલનને કમજોર કરવાનો પ્રયાસ છે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ના પાંચ ન્યાયોમાંથી એક ન્યાય સામાજીક સમાનતા છે, જેની શરૂઆત ફક્ત જાતિ આધારિત વસ્તી ગણતરી બાદ જ થઇ શકે છે. જ્યારે જાતિ આધારિત વસ્તી ગણતરી કરાવાશે ત્યારે જ દેશના પછાત વર્ગ તથા વંચિતોના અધિકારો માટે, કર્પૂરી ઠાકુરે કરેલા સંઘર્ષની ખરી કદર થશે.