
નવી દિલ્હીઃ પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાનને એક બાદ એક ઝટકા આપી રહ્યું છે. ભારત ગમે ત્યારે હુમલો કરશે તેવો ફફડાટ પાકિસ્તાનમાં ફેલાયો છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે મધ્ય પ્રદેશના જબલપુર જિલ્લાની ઑર્ડિનેંસ ફેક્ટરી ખમરિયા અને મહારાષ્ટ્રની ચંદ્રપુર જિલ્લા સ્થિત ઑર્ડિનેંસ ફેક્ટરી ચંદામાં કાર્યરત તમામ કર્મચારીઓની રજા તાત્કાલિક અસરથી રદ્દ કરી દેવામાં આવી છે.
ઑર્ડિનેંસ ફેક્ટરી ચંદા તરફથી જાહેર કરવામાં આવેલા સર્કુલરમાં જણાવવામાં આવ્યું છે કે, મ્યૂનિશંસ ઈન્ડિયા લિમિટેડના ચેરમેન તથા મેનેજમેન્ટ આ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે. તમામ પ્રકારની રજા રદ્દ કરવામાં આવી છે. તમામ કર્મચારીએ કોઈ પણ વિલંબ વગર ડ્યુટી પર તાત્કાલિક હાજર થવું જરૂરી છે.
આ ઉપરાંત આદેશમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, તમામ કર્મચારીએ આ મહત્ત્વપૂર્ણ સમયગાળા દરમિયાન રાષ્ટ્રીય જરૂરિયાત અનુરૂપ ઉપસ્થિતિ અને યોગદાન આપવું જશે. કેટલીક જરૂરી પરિસ્થિતિમાં જ છૂટ આપવામાં આવશે.
જબલપુર સ્થિત ઑર્ડિનેસ ફેકટરી ખમરિયમાં અધિકારીઓ અને કર્મચારીઓની બે દિવસથી વધારેની રજા રદ્દ કરવામાં આવી હતી. જનસંપર્ક અધિકારીના કહેવા પ્રમાણે, આ વર્ષે અમારું લક્ષ્ય ખૂબ મોટું છે અને એપ્રિલ મહિનામાં અમે નિર્ધારીત ઉત્પાદન કરી શક્યા નહોતા. આ સ્થિતિની ભરપાઈ માટે હેડ ક્વાર્ટરમાંથી રજા રદ્દ કરવાનો નિર્દેશ મળ્યો છે. અહીંયા આશરે 4000 કર્મચારીઓ કામ કરે છે અને તે મ્યૂનિશંસ ઈન્ડિયા લિમિટેડની સૌથી મોટી ફેક્ટરીમાંથી એક છે. આ ફેક્ટરીમાં તોપના ગોળા, બોંબ, રોકેટ અને અન્ય ડિફેન્સ સામગ્રી બનાવવામાં આવે છે.
નિષ્ણાતો મુજબ, આ પ્રકારની તૈયારી દેશની રક્ષા ઉત્પાદન શ્રુંખલાને જાળવી રાખવા તથા આકસ્મિક સ્થિતિનો સામનો કરવા મહત્ત્વપૂર્ણ માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે પાકિસ્તાને સતત 10માં દિવસે સીઝફાયરનું ઉલ્લંઘન કર્યું છે અને ભારતીય સેનાએ તેનો જડબાતોડ જવાબ આપ્યો છે.
આ પણ વાંચો….શું પહેલગામ હુમલાના આતંકવાદીઓ શ્રીલંકા પહોંચ્યા? ચેન્નાઈ-કોલંબો ફ્લાઇટમાં હાથ ધરાયું સર્ચ ઓપરેશન