India-Canada Row: ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવાનું ટાળી રહ્યા છે! સ્ટડી પરમીટમાં 86% ઘટાડો
ભારત સાથે ચાલી રહેલા રાજદ્વારી વિવાદ વચ્ચે, ભારતીય વિદ્યાર્થીઓ કેનેડા જવાનું ટાળી રહ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. કેનેડાના એક ટોચના અધિકારીનું કહેવું છે કે કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્ટડી પરમિટની સંખ્યામાં તીવ્ર ઘટાડો થયો છે. ભારતે પરમિટની પ્રોસેસ કરવા વાળા કેનેડિયન રાજદ્વારીઓને કેનેડા પાછા મોકલ્યા હતા. ખાલિસ્તાની આતંકવાદી નિજ્જરની હત્યા બાદ શરુ થયેલા રાજદ્વારી વિવાદને કારણે બહુ ઓછા ભારતીય વિદ્યાર્થીઓએ કેનેડા જવા માટે અરજી કરી હતી.
કેનેડાના ઈમિગ્રેશન મિનિસ્ટર માર્ક મિલરે એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેઓ માને છે કે ભારતીય વિદ્યાર્થીઓ માટે સ્ટડી પરમિટની સંખ્યામાં ટૂંક સમયમાં વધારો થવાની શક્યતા નથી. ભારત સાથેના અમારા તણાવભર્યા સંબંધોને કારણે અરજી કરવાની ક્ષમતા અડધી થઇ ગઈ છે.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોએ જૂનમાં કહ્યું હતું કે બ્રિટિશ કોલંબિયામાં ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યામાં ભારતીય એજન્ટોની સંડોવણી હોવાના પુરાવા મળ્યા છે. આ નિવેદન બાદ બંને દેશો વચ્ચે રાજદ્વારી તણાવ સર્જાયો હતો.
સત્તાવાર માહિતી અનુસાર, ભારત-કેનેડા વિવાદને કારણે, ગયા વર્ષના ચોથા ક્વાર્ટરમાં ભારતીયોને આપવામ આવેલી સ્ટડી પરમીટ અગાઉના ક્વાર્ટરની સરખામણીમાં 86% ઘટીને 108,940 થી 14,910 થઈ ગઈ છે.
ઓટ્ટાવા ખાતેના ભારતીય હાઈ કમિશનના કાઉન્સેલરે જણાવ્યું હતું કે કેનેડામાં કેટલાક સ્થળોએ આવાસ અને શૈક્ષણિક સુવિધાઓના અભાવને કારણે ભારતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ અભ્યાસ માટે કેનેડા સિવાય અન્ય વિકલ્પો પર વિચાર કરી રહ્યા છે.