નવી દિલ્હીઃ ભારત અને કેનેડા વચ્ચે છેલ્લા કેટલાય સમયથી સંબંધો તંગ છે અને ક્યારે સુધરશે તેની કોઈને ખબર નથી, ભારત પણ હવે કેનેડાને લાલ આંખ બતાવી રહ્યું છે. જસ્ટિન ટ્રુડો સામેના નવા આરોપોને લઈને ભારતે કેનેડિયન હાઈ કમિશનરને સમન્સ પાઠવ્યું છે. આજે આ પહેલા ભારતે કેનેડાના એ સંકેતોને ‘વાહિયાત આરોપો’ તરીકે નકારી કાઢ્યા હતા કે, ઓટાવામાં ભારતીય હાઈ કમિશનર શીખ અલગતાવાદી હરદીપ સિંહ નિજ્જરની કથિત હત્યાની તપાસ સાથે જોડાયેલા છે.
આ પણ વાંચો : નિજ્જર ‘નો ફ્લાય ઝોન’માં હોવા છતાં કેનેડામાં મળી હતી એન્ટ્રી, ટ્રુડોના આ અંગત માણસે કરી હતી મદદ
ભારતનો જવાબ
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે ભારતને ગઈકાલે કેનેડા તરફથી રાજદ્વારી સંદેશાવ્યવહાર મળ્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે ભારતીય હાઈ કમિશ્નર અને અન્ય રાજદ્વારીઓ તે દેશમાં તપાસ સાથે સંબંધિત મામલામાં નિરીક્ષણ હેઠળના વ્યક્તિઓ છે. ભારત સરકાર આ પાયાવિહોણા આરોપોનું ખંડન કરે છે અને તેને ટ્રુડો સરકારના રાજકીય એજન્ડા માટે જવાબદાર ગણાવે છે.
વિદેશ મંત્રાલયે કહ્યું, તેમાં કોઈ શંકા નથી કે તપાસના નામ પર રાજકીય લાભ માટે ભારતને બદનામ કરવા માટે આ એક જાણીજોઈને રચાયેલ રણનીતિ છે. વિદેશ મંત્રાલયે કહ્યું, તેમની કેબિનેટમાં એવા વ્યક્તિઓનો સમાવેશ થાય છે જેઓ ખુલ્લેઆમ ઉગ્રવાદી અને અલગતાવાદી એજન્ડા સાથે જોડાયેલા છે. ડિસેમ્બર 2020માં ભારતની આંતરિક રાજનીતિમાં તેમની સ્પષ્ટ દખલગીરી દર્શાવે છે કે તેઓ આ સંબંધમાં ક્યાં સુધી જવા ઈચ્છતા હતા.
ક્યારથી ટેન્શન છે?
વિદેશ મંત્રાલયે કહ્યું, તેમની સરકાર એક રાજકીય પક્ષ પર નિર્ભર છે, જેના નેતાઓ ભારત પ્રત્યે અલગતાવાદી વિચારધારાને સમર્થન આપે છે. જેમણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખાલિસ્તાની ઉગ્રવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાની જાહેરાત કરી હતી. આ હત્યામાં ભારતીય એજન્ટોની સંભવિત સંડોવણીના આરોપોને પગલે તેઓ ખૂબ જ તનાવગ્રસ્ત હતા. ગયા વર્ષે જૂનમાં બ્રિટિશ કોલંબિયાના સરેમાં નિજ્જરની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી.
જાણી જોઈને કેનેડા કરી રહ્યું છે આમ
આ પણ વાંચો : હરદીપ નિજ્જર કેસમાં ભારતના કડક વલણ બાદ જસ્ટિન ટ્રુડો નરમ પડ્યા
વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવવામાં આવ્યા છે. કેનેડા જાણી જોઈને આંખ આડા કાન કરી રહ્યું છે. ટ્રુડો સરકાર તેમના રાજકીય લાભ માટે અલગાવવાદી એજન્ડાને પ્રોત્સાહન આપી રહ્યું છે. વિદેશ મંત્રાલયે કહ્યું,”આ માટે, ટ્રુડો સરકારે જાણી જોઈને હિંસક ઉગ્રવાદીઓ અને આતંકવાદીઓને કેનેડામાં ભારતીય રાજદ્વારીઓ અને સમુદાયના નેતાઓને હેરાન કરવા, ધમકાવવા અને ડરાવવા માટે જગ્યા આપી છે. આમાં તેમને અને ભારતીય નેતાઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવાનો પણ સમાવેશ થાય છે. ગેરકાયદેસર રીતે કેનેડામાં પ્રવેશેલા કેટલાક લોકોને ઝડપથી નાગરિકતા આપવામાં આવી હતી. કેનેડામાં રહેતા આતંકવાદીઓ અને સંગઠિત અપરાધ સાથે સંકળાયેલા લોકોના સંદર્ભમાં ભારત સરકારની ઘણી પ્રત્યાર્પણ વિનંતીઓને અવગણવામાં આવી છે.
આ પણ વાંચો : તો શું ગોલ્ડી બરાર અને હર્ષ દલ્લાને કેનેડા ભારત મોકલશે?
કોણ છે સંજય વર્મા
વિદેશ મંત્રાલયે કહ્યુ કે, હાઇ કમિશ્નર સંજય કુમાર વર્મા ભારતના સૌથી વરિષ્ઠ કાર્યરત રાજદૂક છે. તેમની 36 વર્ષની ઝળહળતી કારકિર્દી છે. મંત્રાલયે કહ્યું, તેઓ જાપાન અને સૂડાનમાં પણ રાજદૂત રહી ચૂક્યા છે, જ્યારે ઈટાલી, તુર્કી, વિયેતનામ અને ચીનમાં પણ સેવા આપી ચુક્યા છે. કેનેડા સરકાર દ્વારા તેમના પર લગાવવામાં આવેલા આરોપ હાસ્યાસ્પદ છે.