પહલગામ હુમલાને ભારતે ગણાવ્યું આર્થિક યુદ્ધ, યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા પર પણ સ્પષ્ટતા કરી | મુંબઈ સમાચાર

પહલગામ હુમલાને ભારતે ગણાવ્યું આર્થિક યુદ્ધ, યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકા પર પણ સ્પષ્ટતા કરી

ન્યુયોર્ક: ભારતના વિદેશ મંત્રી એસ. જયશંકરે જમ્મુ અને કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાને આર્થિક યુદ્ધ ગણાવ્યું છે. તેમણે કહ્યું કે આ હુમલાનો ઉદ્દેશ્ય કાશ્મીરમાં પર્યટનને નુકસાન પહોંચાડવાનો હતો. જયશંકરે સ્પષ્ટપણે કહ્યું કે જો ભારતને પરમાણુ હુમલાની ધમકી આપવામાં આવે તો પણ આતંકવાદ સામે કાર્યવાહી બંધ નહીં થાય. તેમજ યુદ્ધવિરામમાં અમેરિકાની ભૂમિકાના દાવાને નકારી કાઢ્યો હતો.

અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પના દાવાને ફગાવી દીધો

ન્યૂ યોર્કમાં મીડિયા સાથેની વાતચીતમાં એસ. જયશંકરે કહ્યું કે આ હુમલો ફક્ત લોકોને ડરાવવા માટે નહીં. પરંતુ કાશ્મીર માટે આવકના સૌથી મોટા સ્ત્રોત પર્યટનને સમાપ્ત કરવાના ઇરાદાથી કરવામાં આવ્યો હતો. વિદેશ મંત્રીએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તે નિવેદનને ખોટું ગણાવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે અમેરિકાએ વેપાર કરાર પર દબાણ લાવીને ભારત અને પાકિસ્તાનને યુદ્ધવિરામ માટે દબાણ કર્યું.

જયશંકરે કહ્યું, જ્યારે અમેરિકી ઉપપ્રમુખ જેડી વાન્સે ફોન પર વાત કરી ત્યારે હું પોતે વડા પ્રધાન મોદી સાથે હતો. તે વાતચીતમાં વેપાર કરારનો કોઈ ઉલ્લેખ નહોતો. તેમણે એમ પણ કહ્યું કે ભારત આતંકવાદ સામે ઉભું રહેશે અને કોઈ પણ ધમકી કે દબાણ આપણને રોકી શકશે નહીં.

વડા પ્રધાને પાકિસ્તાનની ધમકીની બિલકુલ પરવા નહોતી કરી

વિદેશ મંત્રીએ મોટો ખુલાસો કર્યો કે 9 મે 2025 ની રાત્રે જ્યારે પાકિસ્તાને ભારત પર મોટા હુમલાની ચેતવણી આપી હતી, ત્યારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોઈપણ દબાણ કે ડરને અવગણીને કડક વલણ અપનાવ્યું હતું. એસ. જયશંકરે કહ્યું, જ્યારે અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સે પીએમ મોદી સાથે વાત કરી અને તેમને કહ્યું કે પાકિસ્તાન ભારત પર મોટો હુમલો કરવા જઈ રહ્યું છે, ત્યારે હું રૂમમાં હતો, પરંતુ અમે કેટલીક શરતો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને વડા પ્રધાને પાકિસ્તાનની ધમકીની બિલકુલ પરવા નહોતી કરી.

ભારતનો પ્રતિભાવ સંપૂર્ણપણે આત્મનિર્ભર

તેમણે આગળ કહ્યું, વડા પ્રધાને સ્પષ્ટપણે સંકેત આપ્યો હતો કે ભારત ચોક્કસપણે જવાબ આપશે. જયશંકરે વાતચીતમાં જણાવ્યું હતું કે પાકિસ્તાને ખરેખર તે રાત્રે ભારત પર મોટો હુમલો કર્યો હતો. પરંતુ ભારતીય સેનાએ તાત્કાલિક અને જોરદાર જવાબ આપ્યો હતો. વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યું કે પાકિસ્તાન દ્વારા ભારત પર કરવામાં આવેલા આતંકવાદી હુમલાઓ સામે ભારતનો પ્રતિભાવ સંપૂર્ણપણે આત્મનિર્ભર અને નક્કર હતો.

ભારત પાકિસ્તાન વચ્ચે ડીજીએમઓ લેવલની વાતચીત થઇ હતી

તેમણે કહ્યું કે 10 મેના રોજ સવારે તેમણે અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રુબિયો સાથે વાતચીત કરી હતી. જેમાં રુબિયોએ કહ્યું હતું કે પાકિસ્તાન વાતચીત માટે તૈયાર છે. પાકિસ્તાનના ડીજીએમઓ મેજર જનરલ કાશિફ અબ્દુલ્લાએ ભારતના ડીજીએમઓ લેફ્ટનન્ટ જનરલ રાજીવ ઘાઈને સીધો ફોન કર્યો અને યુદ્ધવિરામની અપીલ કરી.

ભારતે ક્યારેય ટ્રેડને કૂટનીતિ સાથે જોડ્યું નથી

ઉલ્લેખનીય છે કે, ટ્રમ્પે ગયા બુધવારે હેગમાં એક પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે, મેં અનેક ટ્રેડ કોલ કરીને આ વિવાદ બંધ કર્યો હતો. મેં કહ્યું હતું કે જો તમે લડતા રહેશો તો અમે કોઈ ટ્રેડ ડીલ નહીં કરીએ.ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન બંનેએ જવાબ આપ્યો હતો કે તમારે ટ્રેડ ડીલ કરવી પડશે. આના પર પ્રતિક્રિયા આપતા જયશંકરે સ્પષ્ટતા કરી હતી કે ભારતે ક્યારેય ટ્રેડને કૂટનીતિ સાથે જોડ્યું નથી. તેમણે કહ્યું કે આ બે અલગ અલગ પ્રક્રિયાઓ છે અને ટ્રમ્પના દાવામાં કોઈ સત્ય નથી.

આ પણ વાંચો…યુએનમાં વિદેશ મંત્રી એસ જયશંકરે આતંકવાદ મુદ્દે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો,કહ્યું આતંકવાદીઓને કોઇ છૂટ નહિ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »
Back to top button