ટોપ ન્યૂઝનેશનલ

Modi સરકારનું છેલ્લું ‘Budget’ સત્ર આજથી શરૂ, જાણો કયા મુદ્દાઓ પર થશે ચર્ચા

નવી દિલ્હી: લોકસભાનું છેલ્લું બજેટ સત્ર આજથી એટલે કે 31મી જાન્યુઆરીના રોજથી શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્ર કે જે વર્તમાન લોકસભાનું છેલ્લું સત્ર છે તેની શરૂઆત રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધનથી થશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ એપ્રિલ-મેમાં યોજાનાર લોકસભા ચૂંટણી પહેલાં ફેબ્રુઆરીમાં એક વચગાળાનું બજેટ રજૂ કરશે. તેમજ નવી સરકાર ચાર્જ સંભાળ્યા બાદ સંપૂર્ણ બજેટ રજૂ કરશે. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે નિર્મલા સીતારમણ જમ્મુ અને કાશ્મીર માટે પણ બજેટ રજૂ કરશે.

પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે 9 ફેબ્રુઆરીના રોજ સમાપ્ત થનાર આ 17મી લોકસભાના ટૂંકા ગાળાના સત્રમાં રાષ્ટ્રપતિનું સંબોધન, વચગાળાના બજેટની રજૂઆત અને રાષ્ટ્રપતિના અભિભાષણ અને તેના વડા પ્રધાનના આભાર પ્રસ્તાવ પર ચર્ચા કરવામાં આવશે. તેમજ વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જવાબ આપવામાં આવશે. રક્ષા પ્રધાન રાજનાથ સિંહની આગેવાનીમાં સર્વપક્ષીય બેઠક દરમિયાન વિપક્ષી નેતાઓએ ઘણા મુદ્દા ઉઠાવ્યા હતા. કોંગ્રેસના વરિષ્ઠ નેતા કે. સુરેશે અગાઉ જણાવ્યું હતું કે તે આ સત્રમાં બેરોજગારી, મોંઘવારી, કૃષિ કટોકટી અને જાતિ હિંસાથી પ્રભાવિત મણિપુરની સ્થિતિનો મુદ્દો ઉઠાવશે.

આ ઉપરાંત તૃણમૂલ કોંગ્રેસના નેતા સુદીપ બંદોપાધ્યાયે જણાવ્યું હતું કે નાણા પ્રધાને વચગાળાના બજેટમાં વિવિધ કેન્દ્રીય યોજનાઓ હેઠળ પશ્ચિમ બંગાળની લેણી રકમનો પણ સમાવેશ કરવો જોઈએ. એ બાબત ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે કે એક મુખ્ય પ્રધાને પોતાના રાજ્યને કેન્દ્ર સરકાર પાસેથી લેણાંની રકમ લેવા માટે ધરણા પર બેસવું પડ્યું હતું. આ ઉપરાંત સમાજવાદી પાર્ટીના નેતા એસટી હસને પૂજાના સ્થળોના કાયદાને મજબૂત કરવા માટે પગલાં લેવાની માંગ કરી હતી. આ અધિનિયમ 15 ઓગસ્ટ 1947ના નિયમ અનુસાર ધાર્મિક સ્થાનોને હાલ જે સ્થિતિમાં છે તેજ સ્થિતિમાં રાખવા અંગે છે. નોંધનીય છે કે હસનની આ માંગ વારાણસીની જ્ઞાનવાપી મસ્જિદને હિન્દુ સમુદાયને સોંપવાની માંગને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.

ત્યારે સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે બેઠકમાં ખુબજ શાંતિથી વાતચીત થઈ હતી અને સરકાર આ ટૂંકા સત્ર દરમિયાન દરેક મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે.

રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના અધ્યક્ષ શરદ પવાર, જનતા દળ (યુનાઈટેડ)ના રામનાથ ઠાકુર અને તેલુગુ દેશમ પાર્ટીના જયદેવ ગલ્લા સર્વપક્ષીય બેઠકમાં હાજર રહ્યા હતા. બેઠકમાં રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેનું પ્રતિનિધિત્વ કરનારા કોંગ્રેસના સાંસદ પ્રમોદ તિવારીએ બેઠકમાં આસામમાં રાહુલ ગાંધીની આગેવાની હેઠળની ‘ભારત જોડો ન્યાય યાત્રા’ પરના “હિંસક હુમલા” અને તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધોનો ઉલ્લેખ કર્યો હતો.

ત્યારે કોંગ્રેસના નેતા તિવારીએ બેઠકમાં કહ્યું હતું કે દેશમાં અઘોષિત સરમુખત્યારશાહી પ્રવર્તી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર ઝારખંડના મુખ્ય પ્રધાન હેમંત સોરેન અને રાષ્ટ્રીય જનતા દળના વડા લાલુ પ્રસાદ યાદવ જેવા વિપક્ષી નેતાઓને નિશાન બનાવવા માટે CBI અને EDનો દુરુપયોગ કરી રહી છે. અને સત્રમાં આ મુદ્દે પણ ચર્ચા થવી જોઈએ. નોંધનીય છે કે દરેક સત્ર પહેલાં સર્વપક્ષીય બેઠક બોલાવવાનો રિવાજ છે. બેઠકમાં વિવિધ પક્ષોના નેતાઓ તેઓ જે મુદ્દાઓ સંસદમાં ઉઠાવવા માગે છે તે તમામ મુદ્દાઓ આ બેઠકમાં જણાવે છે. અને સરકાર તેમને તેના એજન્ડા વિશે જણાવે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button