
પટણાઃ તાજેતરની વિધાનસભાની ચૂંટણીમાં ત્રણ રાજ્યમા કારમી હાર બાદ કોંગ્રેસે 6 ડિસેમ્બરે દિલ્હીમાં ઇન્ડિયા ગઠબંધનની બેઠક બોલાવી છે. વિપક્ષી દળોને એક કરનાર મુખ્ય પ્રધાન નીતીશ કુમાર આ બેઠકમા હાજરી આપવાના નથી. જેડીયુએ તેમની ખરાબ તબિયતનો હવાલો આપ્યો હતો, પરંતુ, જ્યારે સીએમ નીતીશ કુમાર આજે કેબિનેટની બેઠકમાં પહોંચ્યા ત્યારે સ્પષ્ટ થયું કે તેઓ હજુ પણ સ્વસ્થ છે.
તેઓ બીમાર નથી. ઇન્ડિયા ગઠબંધનમાં નહીં જોડાવા પાછળ તેમની ખરાબ તબિયત કારણભૂત નથી. હવે આ મામલે બિહારનું રાજકારણ ગરમાયું છે. લોક જનશક્તિ પાર્ટી (રામ વિલાસ)ના પ્રમુખ ચિરાગ પાસવાને સીએમ નીતીશ કુમારના દિલ્હી નહીં જવાનું કારણ આપ્યું છે જ્યારે કોંગ્રેસના વિધાન પ્રતિમા કુમારીએ નીતીશ કુમાર બધાને સ્વીકાર્ય નેતા ના હોવાનું જણાવી રાજકીય ગરમાવો વધારી દીધો છે.
જમુઈના સાંસદ ચિરાગ પાસવાને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે બિહારમાં મુખ્ય પ્રધાન અને તેમની નીતિઓ ફ્લેપ સાબિત થઇ છે. તેમની વિપક્ષને એક કરવાની કવાયત પણ નિષ્ફળ ગઇ છે. નીતીશ કુમારનું નેતૃત્વ વિપક્ષના કોઈપણ નેતાને સ્વીકાર્ય નથી, તેથી જ લોકસભા ચૂંટણી પહેલા જ ઇન્ડિયા ગઠબંધન વિખરાઇ ગયું.
ત્રણ રાજ્યોમાં મળેલી કારમી હાર સ્પષ્ટપણે દર્શાવે છે કે નીતિૃીશ કુમારની આગેવાની હેઠળનું મહાગઠબંધન વડા પ્રધાનના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન સામે નિષ્ફળ ગયું છે તેમ જ 6ઠ્ઠી ડિસેમ્બરે યોજાનારી વિપક્ષની બેઠકમાં નીતીશ કુમારજીની ગેરહાજરી સ્પષ્ટપણે એ જ સૂચવે છે કે નીતીશ કુમાર હારથી ડરી ગયા છે અને હંમેશની જેમ પાછલા દરવાજેથી સટકવાનો પ્રયાસ કરી રહ્યા છે.
તેવી જ રીતે કોંગ્રેસના વિધાન સભ્ય પ્રતિમા કુમારી પણ પોતાના નિવેદનોને કારણે સમાચારમાં રહેતા હોય છે. તેમણે ઇન્ડિયા ગઠબંધનની બેઠકમાં રાષ્ટ્રીય નેતા મલ્લિકાર્જુન ખડગેના આમંત્રણ છતાં નીતીશકુમારની સંભવિત ગેરહાજરી અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે બેશક, મુખ્ય પ્રધાન નીતીશ રાષ્ટ્રીય સ્તરના નેતા છએ, પણ તેમને ઇન્ડિયા ગઠબંધનના બધા વરિષ્ઠ નેતાઓનું સમર્થન નથી. ઇન્ડિયા ગઠબંધનની કમાન તેમના હાથમાં સોંપવા અંગે પણ એકમત નથી. અને માત્ર એક હારથી કૉંગ્રેસની નીતિઓ પર સવાલ ઉઠાવી શકાય નહીં. કોંગ્રેસે તેની નીતિઓને કારણે આટલા લાંબા સમય સુધી જનતાની સેવા કરી છે.
જોકે, એક વાત તો સ્પષ્ટ છે કે પાંચ રાજ્યમાં વિધાન સભાની ચૂંટણીના પરિણામોને કારણે અખિલેશ યાદવ, મમતા બેનરજી અને નીતીશ કુમારના વલણમાં બદલાવ તો જરૂર આવ્યો છે.