ભારતે પ્રથમ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને પાંચ વિકેટથી હરાવ્યું
મોહાલી: મોહાલીમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પ્રથમ વન-ડેમાં ટીમ ઇન્ડિયાનો પાંચ વિકેટથી વિજય થયો હતો. ભારતે ત્રણ મેચની વનડે શ્રેણીમાં ૧-૦ની લીડ મેળવી લીધી હતી. પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૨૭૬ રન બનાવ્યા હતા. જેના જવાબમાં ટીમ ઇન્ડિયાએ ૪૮.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૨૮૧ રન બનાવી મેચ પાંચ વિકેટથી જીતી લીધી હતી.
ઋતુરાજ ગાયકવાડ અને શુભમન ગીલે ટીમ ઈન્ડિયાને શાનદાર શરૂઆત અપાવી અને પ્રથમ વિકેટ માટે ૧૪૨ રનની ભાગીદારી કરી હતી. ગાયકવાડ ૭૧ અને ગિલ ૭૪ રન બનાવી આઉટ થયા હતા. જ્યારે સૂર્યકુમાર યાદવ ૫૦ રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન કેએલ રાહુલે ૫૮ રનની અણનમ ઇનિંગ રમી હતી. શ્રેણીની બીજી વનડે ૨૪ સપ્ટેમ્બરે ઈન્દોરમાં રમાશે.
ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ ૫૦ ઓવરમાં ૨૭૬ રન બનાવી શક્યું હતુ. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નરે સૌથી વધુ ૫૨ રન બનાવ્યા હતા. જ્યારે જોશ ઇંગ્લિસે ૪૫ રનની ઇનિંગ રમી હતી અને માર્નસ લાબુશેને ૩૯ રન ફટકાર્યા હતા. ભારત માટે ફાસ્ટ બોલર મોહમ્મદ શમીએ શાનદાર પ્રદર્શન કર્યું હતું. શમીએ ૧૦ ઓવરમાં ૫૧ રન આપીને પાંચ વિકેટ લીધી હતી.
પહેલી જ ઓવરમાં ઓસ્ટ્રેલિયન ટીમનો ઓપનર મિશેલ માર્શ ચાર બોલમાં ચાર રન બનાવીને મોહમ્મદ શમીનો શિકાર બન્યો હતો. આ પછી ડેવિડ વોર્નર અને સ્ટીવ સ્મિથ વચ્ચે ૯૪ રનની ભાગીદારી થઈ હતી. વોર્નર ૫૩ બોલમાં ૫૨ રન બનાવીને જાડેજાની ઓવરમાં આઉટ થયો હતો.
સ્મિથે ૪૧ રન બનાવ્યા હતા. આ પછી માર્નસ લાબુશેન ૩૯, કેમરૂન ગ્રીન ૩૧, સ્ટોઇનિસ ૨૯, ઇંગ્લિસ ૪૫ રન બનાવી આઉટ થયા હતા. ભારત તરફથી મોહમ્મદ શમીએ પાંચ વિકેટ ઝડપી હતી. તે સિવાય જસપ્રીત બુમરાહ, આર.અશ્ર્વિન અને રવિન્દ્ર જાડેજાને એક-એક સફળતા મળી હતી. ઉ