ભારતની બરાક-8 મિસાઈલ સિસ્ટમે ઉડાવ્યા પાકિસ્તાનના હોંશ , જાણો તેની વિશેષતા

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ જવાબી કાર્યવાહી કરીને ઓપરેશન સિંદૂર લોન્ચ કર્યું છે. જેમાં ભારતે પાકિસ્તાનમાં 11 જેટલા એરબેઝને ઉડાવી દીધા હતા.જ્યારે ઓપરેશન સિંદૂર દરમિયાન બરાક-8 એર મિસાઈલ સિસ્ટમ ચર્ચામાં આવી છે. બરાક-8 એર મિસાઈલ સિસ્ટમે પાકિસ્તાનના હુમલાઓને રોકવામાં મોટી ભૂમિકા ભજવી છે.
ભારત અને ઇઝરાયલે સંયુક્ત રીતે વિકસિત
બરાક-8 મિસાઇલ ભારતના સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન (DRDO)અને ઇઝરાયલ એરોસ્પેસ ઇન્ડસ્ટ્રીઝ દ્વારા સંયુક્ત રીતે વિકસાવવામાં આવી છે. ખાસ વાત એ છે કે ભારતીય સેનાએ ગયા મહિને એપ્રિલમાં બરાક 8 મિસાઇલ એર ડિફેન્સ સિસ્ટમનું અંતિમ પરીક્ષણ પૂર્ણ કર્યું હતું અને તેને ઓપરેશન માટે તૈયાર કર્યું હતું. વર્ષ 2017 માં ભારત અને ઇઝરાયલે બરાક-8 એર મિસાઇલના ઉત્પાદન માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. આ સોદો 2.5 બિલિયન ડોલરનો હતો.
બરાક-8 મિસાઇલની વિશેષતાઓ
બરાક-8 એક મધ્યમ અંતરની સપાટીથી હવામાં પ્રહાર કરનારી એર સંરક્ષણ મિસાઇલ (MR-SAM) છે. બરાક-8 દુશ્મનના ફાઇટર જેટ, ડ્રોન, સર્વેલન્સ એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને મિસાઇલોને તોડી પાડવા સક્ષમ છે. બરાક-8 મિસાઇલની મારક ક્ષમતા 70 કિલોમીટરથી 100 કિલોમીટર સુધીની છે. બરાક-8 મિસાઇલની ગતિ 2 માક એટલે કે અવાજની ગતિ કરતાં બમણી છે.
બરાક-8 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ અનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ
બરાક-8 મિસાઇલ વિવિધ પ્રકારના ખતરા સામે 360 ડિગ્રી રક્ષણ પૂરું પાડે છે. તેમાં મલ્ટી-મિશન રડાર અને એક્ટિવ નિયંત્રણ અને કમાન્ડ સિસ્ટમ છે. બરાક-8 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ એકસાથે અનેક લક્ષ્યોને નિશાન બનાવવામાં સક્ષમ છે. તે મલ્ટી-ફંક્શન સર્વેલન્સ ટ્રેક અને માર્ગદર્શન રડારથી સજ્જ છે જે લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવવામાં મદદ કરે છે. આ મિસાઇલ સિસ્ટમ કોઈપણ હવામાન પરિસ્થિતિઓમાં અને દિવસ અને રાત બંનેમાં કાર્ય કરી શકે છે.
આ પણ વાંચો…ભારતના આ પાંચ દેશી હથિયારોએ રંગ રાખતા પાકિસ્તાનની ઊંઘ કરી હરામ, જાણો યાદી