Top Newsનેશનલ

રાષ્ટ્રવ્યાપી હડતાળનું એલાન: વિવિધ માંગણીઓ સાથે ખેડૂત-શ્રમિકો દ્વારા આજે ભારત બંધ

નવી દિલ્હી: ભારતીય શ્રમિક વર્ગ અને વિવિધ ખેડૂત સંગઠનો દ્વારા આજે, 12 ફેબ્રુઆરી 2026ના રોજ દેશવ્યાપી આમ હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. 14 જેટલા રાષ્ટ્રીય ટ્રેડ યુનિયનોના બનેલા સંયુક્ત મોરચાએ આ હડતાળ બોલાવી છે, જેને ખેડૂત સંગઠન ‘સંયુક્ત કિસાન મોરચા’ (SKM) એ પણ સમર્થન જાહેર કર્યું છે. આ હડતાળમાં કેન્દ્રીય અને રાજ્યના સિવિલ કર્મચારીઓ, જાહેર સાહસોના શ્રમિકો અને સ્વતંત્ર ટ્રેડ યુનિયનો જોડાયા હોવાથી તેની વ્યાપક અસર જોવા મળી રહી છે.

આજના ‘ભારત બંધ’ની સીધી અસર પરિવહન, બેંકિંગ અને બજારો પર પડી શકે છે. રસ્તાઓ પર “ચક્કા જામ” થવાની ભીતિને કારણે મુસાફરોએ સાવધ રહેવાની જરૂર છે. સરકારી બસો, ટેક્સીઓ અને ઓટો-રિક્ષા જેવી સેવાઓ ખોરવાઈ શકે છે, જ્યારે લોકલ ટ્રેન વ્યવહારને પણ આંશિક અસર થવાની શક્યતા છે. જોકે, એરપોર્ટ પર કામગીરી સામાન્ય રહેશે, પરંતુ રસ્તામાં ટ્રાફિક જામની સ્થિતિને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓને વધારાનો સમય લઈને નીકળવા સલાહ આપવામાં આવી છે.

શાળાઓ અને કોલેજો માટે કોઈ સત્તાવાર રાષ્ટ્રીય રજા જાહેર કરવામાં આવી નથી, પરંતુ કેરળ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં જ્યાં યુનિયનોનું પ્રભુત્વ વધુ છે, ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રહી શકે છે. વાલીઓએ સ્થાનિક પ્રશાસનનો સંપર્ક કરવો હિતાવહ છે. બીજી તરફ, AIBEA અને AIBOA જેવા મોટા બેંક સંગઠનો આ હડતાળમાં જોડાયા હોવાથી સરકારી બેંકોમાં કામકાજ પ્રભાવિત થશે, જેથી ગ્રાહકોને ડિજિટલ ટ્રાન્ઝેક્શનનો ઉપયોગ કરવા સૂચન કરાયું છે.

શા માટે આ હડતાળ?

આ વિરોધ પ્રદર્શન પાછળ શ્રમિકો અને ખેડૂતોની કેટલીક મહત્વની માંગણીઓ જવાબદાર છે. મુખ્યત્વે વર્ષ 2025માં લાવવામાં આવેલા નવા લેબર કોડ્સ, બીજ વિધેયક અને વીજળી સુધારા બિલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, પશુ કૃષિ અધિનિયમ 2025 ને પાછો ખેંચવાની માંગ સાથે MGNREGA યોજનાની પુનઃસ્થાપના અને ‘વિકસિત ભારત – રોજગાર અને આજીવિકા મિશન (ગ્રામીણ) અધિનિયમ’ સામે પણ આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button