
પટનાઃ બિહારમાં અત્યારે તણાવનો માહોલ છે. કારણ કે, મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન સામે રાજ્યવ્યાપી ચક્કા જામની જાહેરાત કરી છે. મહત્વની વાત એ છે કે, આમાં રાષ્ટ્રીય જનતા દળ (RJD), કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VIP પાર્ટી અને જન અધિકાર પાર્ટી (પપ્પુ યાદવ) સહિત મહાગઠબંધનના દરેક પાર્ટીઓ એક થઈ છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પટના પહોંચશે અને તેજસ્વી યાદવ સાથે આવકવેરા ગોલંબરથી ચૂંટણી કાર્યાલય સુધી પદયાત્રા કરવાના છે તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
બિહાર બંધનું એલાન ખૂબ જ દુઃખ અને દુર્ભાગ્યપૂર્ણ છેઃ વિજય સિન્હા
પટનામાં મનેર વિધાનસભા ક્ષેત્રમાંથી તપાસ થતા નેશનલ હાઈવે 30ને અત્યારે બિહાર બંધના સમર્થનમાં બંધ કરી દેવામાં આવ્યો છે. આ અંગે બિહારના ઉપ મુખ્ય પ્રધાન વિજય સિન્હાએ કહ્યું કે, મહાગઠબંધન જે બિહાર બંધનું એલાન આપવામાં આવ્યું છે તે ખૂબ જ દુઃખ અને દુર્ભાગ્યપૂર્ણ છે. વધુમાં કહ્યું કે, જો ચૂંટણી પંચ જાગૃતિ ફેલાવવા માંગે છે, તો તેમાં શું ખોટું છે? આ કોઈ જાતિ કે પક્ષ માટે નથી પણ દરેક માટે છે. બહારના લોકો ખોટા મતદાન ના કરી શકે તે માટે વાત પર તેઓ શા માટે વાંધો ઉઠાવે છે? આ મુદ્દા પર અત્યારે બિહારની સ્થિતિ વધારે ગંભીર બની છે.

આરજેડી કાર્યકરોએ ગાંધી સેતુ પુલ બંધ કરી દીધો
ચક્કા જામ દરમિયાન આરજેડી કાર્યકરોએ ગાંધી સેતુ પુલ બંધ કરી દીધો છે. પટનાથી હાજીપુર, દરભંગા અને પૂર્ણિયા જેવા શહેરો સુધી પહોંચવા માટે આ પુલ ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ પુલ બંધ થવાથી પટનાથી આ શહેરોમાં જતા લોકોની મુશ્કેલીઓ વધી શકે છે. આ બંધના એલાનમાં કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી પટના જવા રવાના થઈ રહ્યા છે. રાહુલ ગાંધી આજે ગોપાલ ખેમકાના પરિવારને મળવા પણ જઈ શકે છે. અત્યારે આરજેડીના કાર્યકર્તાઓએ રાષ્ટ્રીય રાજ્યમાર્ગ 30ને પણ બંધ કરી દીધો છે. અત્યારે ચૂંટણી પંચ અને ભારત સરકારના વિરોધમાં નારા લગાવવમાં આવી રહ્યાં છે. ચિંતાની વાત એ છે કે, પ્રદર્શનકારીઓએ બિહાર બંધના સમર્થનમાં જહાનાબાદ કોર્ટ સ્ટેશન પર પટના-ગયા ટ્રેનને રોકી દીધી છે.