અમેરિકાની દખલ બાદ ભારત અને પાકિસ્તાન યુદ્ધ વિરામ માટે સહમત! જાણો બન્ને દેશોએ શું કહ્યું?

નવી દિલ્હીઃ ભારત અને પાકિસ્તાના વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં હવે વિરામ આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. જો કે, ભારત અને પાકિસ્તાન દ્વારા પણ તેની સત્તાવાર જાહેરાત કરાવમાં આવી છે. ભારત અને પાકિસ્તાન બન્ને દેશો યુદ્ધ વિરામ માટે રાજી થયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો, અમેરિકાએ દખલ કરી તે બાદ ભારત અને પાકિસ્તાન બન્ને દેશો યુદ્ધ વિરામ માટે સહમત થયા છે.
ભારત પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે સંમત થયું: વિક્રમ મિશ્રી
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત તરફથી વિક્રમ મિશ્રીએ એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, ‘પાકિસ્તાનની સેનાના ડીજીએમઓએ તણાવ ઓછો કરવા માટે ભારતીય સેનાના ડીજીએમઓનો સંપર્ક કર્યો હતો. આ પછી ભારત પોતાની શરતો પર યુદ્ધવિરામ માટે સંમત થયું છે’. યુદ્ધવિરામ પર આગળની કાર્યવાહી માટે બંને દેશોના ડીજીએમઓ 12 મેના રોજ ફરી વાતચીત કરશે તેવું પણ સૂત્રો દ્વારા જણાવા મળ્યું છે.
આ પણ વાંચો: ભારત અને પાકિસ્તાનમાં યુદ્ધવિરામ માટે તૈયાર! ટ્રમ્પનો દાવો…
પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત
યુદ્ધ વિરામ અંગે અમેરિકાના રાષ્ટ્રપતિએ ટ્વીટ કર્યાં બાદ પાકિસ્તાનના ઉપ વડા પ્રધાને એક્સ પર પોસ્ટ કરતા લખ્યું કે, ‘પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ માટે સંમત થયા છે. પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે સમાધાન કર્યા વિના આ ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે’.
યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રૂબિયોએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, ‘છેલ્લા 48 કલાકમાં, ઉપ રાષ્ટ્રપતિ વાન્સ અને મેં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શેહબાઝ શરીફ, વિદેશ પ્રધાન સુબ્રમણ્યમ જયશંકર, આર્મી ચીફ અસીમ મુનીર અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો અજિત ડોભાલ અને અસીમ મલિક સહિત વરિષ્ઠ ભારતીય અને પાકિસ્તાની અધિકારીઓ સાથે વાતચીત કરી હતી. મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાનની સરકારો તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થઈ છે અને તટસ્થ સ્થળે વિવિધ મુદ્દાઓ પર વાતચીત શરૂ કરવા માટે સંમત થયા છે’.