અમેરિકાને રશિયા અને ઈરાન પરનાં પ્રતિબંધો ફળ્યાઃ ભારત સાથે ક્રૂડ ઓઇલ ખરીદીમાં વધી ભાગીદારી

નવી દિલ્હી: ગયા મહિને અમેરિકાથી ભારતમાં ક્રૂડ ઓઇલની (crude oil) નિકાસ બે વર્ષની ટોચે પહોંચી ગઈ હતી. રશિયન તેલ ઉત્પાદકો અને ટેન્કરો પર અમેરિકાના પ્રતિબંધો પછી ભારત વૈકલ્પિક સપ્લાયર્સની શોધ કરી રહ્યું હતું.
શિપ ટ્રેકિંગ ફર્મ કેપ્લરના (Kpler) આંકડાઓ અનુસાર, ફેબ્રુઆરીમાં અમેરિકાએ ભારતમાં લગભગ 3,57,000 બેરલ પ્રતિ દિવસ ક્રૂડ ઓઇલની નિકાસ કરી હતી, જે ગયા વર્ષના 2,21,000 બેરલ પ્રતિ દિવસ કરતા ઘણો વધારો સૂચવે છે.
અમેરિકાએ લગાવ્યા હતા પ્રતિબંધો
આપણ વાંચો: ટૂંક સમયમાં તમને મળી શકે છે ખુશખબરીઃ ગલ્ફ અને અમેરિકાના દેશોમાં આ વસ્તુના ભાવ ઘટયાના અહેવાલો
અમેરિકાએ ઓક્ટોબર 2024થી ઈરાન અને રશિયાના ક્રૂડ સાથે સંબંધિત જહાજો અને કંપનીઓ પર અનેક તબક્કાવાર પ્રતિબંધો લગાવ્યા હતા અને તેના પરિણામે આ દેશોમાંથી ક્રૂડ ઓઇલની આયાતનો પુરવઠો ખોરવાઈ ગયો હતો.
આ અંગે ભારત સરકારે કહ્યું હતું કે નજીકના સમયમાં અમેરિકા પાસેથી ભારતની ઊર્જા ખરીદી 15 અબજ ડોલરથી વધીને 25 અબજ ડોલર સુધી પહોંચી શકે છે. અમેરિકાનાં આ પ્રતિબંધોને કારણે ભારતને વૈકલ્પિક સપ્લાયર્સની શોધ હતી.
આ ચાર કંપનીઓ છે ખરીદદાર
આંકડાઓ અનુસાર અમેરિકાથી ભારતમાં કુલ ક્રૂડ નિકાસનો 80 ટકા હિસ્સો લાઇટ-સ્વીટ વેસ્ટ ટેક્સાસ ઇન્ટરમીડિયેટ-મિડલેન્ડ (WTI-મિડલેન્ડ) ક્રૂડનો હતો, જેમાં ભારતમા ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન (IOC), રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ (RIL), ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન (BPCL)નો ટોચના ખરીદદારોમાં સમાવેશ થાય છે. જ્યારે નિકાસકારોમાં ઓક્સિડેન્ટલ પેટ્રોલિયમ, ઇક્વિનોર, એક્સોન મોબિલ, ટ્રેડિંગ ફર્મ ગનવોરનો સમાવેશ થાય છે.
આપણ વાંચો: ટેરિફ વોરઃ અમેરિકાના 15 લાખ ઘરોમાં છવાઈ શકે છે અંધાર પટ, જાણો શું છે કારણ
ચીન સાથે નિકાસ પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તરે
ફેબ્રુઆરીમાં અમેરિકાએ દક્ષિણ કોરિયાને વિક્રમી 656,000 બેરલ પ્રતિ દિવસ (bpd) ક્રૂડ તેલની નિકાસ કરી હતી. તે જ સમયે ચીને અમેરિકન તેલ પર 10 ટકા ટેરિફ લાડતા નિકાસની દિશા બદલાઈ ગઈ હતી અને અમેરિકાથી ચીનમાં ક્રૂડ ઓઇલની નિકાસ ઘટીને માત્ર 76,000 બેરલ પ્રતિ દિવસનાં સ્તરે પહોંચી ગઈ હતી, જે છેલ્લા પાંચ વર્ષમાં સૌથી નીચલા સ્તરે હતી.