Lok Sabha Speaker: સંસદના ઈતિહાસની આ પરંપરા તુટવા તૈયારીમાં? વિપક્ષની જીદ સામે સરકાર ઝુકશે?
નવી દિલ્હી: ગઈ કાલે સોમવારથી 18મી લોકસભાના પહેલા સત્ર(Lok sabha session)ની શરૂઆત થઇ ચુકી છે, ચૂંટણી બાદ મજબુત સંખ્યાબળ સાથે આવેલું વિપક્ષ સરકારને ઘેરવા તૈયાર છે. લોકસભાના પ્રોટેમ્પ્ટ સ્પીકરની પસંદગી અંગે વિપક્ષે પહેલા દિવસે જ વાંધો ઉઠાવ્યો હતો, એવામાં લોકસભા અધ્યક્ષ(Lok sabha Speaker) પદના અંગે દેશમાં છેલ્લા 72 વર્ષથી ચાલી આવતી પરંપરા તૂટે એવી શક્યતા છે. વિપક્ષી દળોનું INDIA ગઠબંધન લોકસભા અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે.
અહેવાલો મુજબ, વિપક્ષને ઉપાધ્યક્ષનું પદ નહીં આપવામાં આવે તો INDIA ગઠબંધન અધ્યક્ષ પદ માટે ચૂંટણી લડવાની તૈયારી કરી રહ્યું છે. ભાજપના નેતૃત્વ હેઠળનું NDA ગઠબંધન આ મુદ્દે વિપક્ષ સાથે સમાધાન કરવાના મૂડમાં નથી. આવી સ્થિતિમાં જો બુધવારે સ્પીકર પદ માટેની ચૂંટણી થશે તો છેલ્લી 17 લોકસભાથી ચાલી આવતી પરંપરા તૂટી જશે, છેલ્લા 72 વર્ષથી અધ્યક્ષ માટે સર્વસંમતિથી ચૂંટણી કરવામાં આવે છે.
ભાજપના સૂત્રોએ જણાવ્યું કે NDAમાં આ બંને પદો માટે સર્વસંમતિ છે. ભાજપ અધ્યક્ષ પદ પોતાની પાસે રાખશે, જ્યારે ઉપાધ્યક્ષ પદ ભાજપના સાથી પક્ષને મળશે. સહયોગી પક્ષો સાથેની વાતચીત બાદ ભાજપ લોકસભા અધ્યક્ષ પદ માટે પોતાના ઉમેદવારનું નામ જણાવશે, આ સિવાય ઉપાધ્યક્ષ પદ કદાચ TDPને જશે.
પ્રમુખ પદ માટે મંગળવારે બપોરે 12 વાગ્યા સુધીમાં ઉમેદવારી ભરવામાં આવશે. મતલબ કે વિપક્ષ અને શાસક પક્ષના ઉમેદવારોને આજ જ નોમિનેશન ફાઈલ કરવાનું રહેશે. આજે એ નક્કી થઇ જશે કે અધ્યક્ષ પર માટે સર્વસંમતિની પરંપરા ચાલુ રહેશે કે તૂટી જશે.
TMCના સૂત્રોનું કહેવું છે કે જો ઉપાધ્યક્ષનું પદ આપવામાં નહીં આવે તો વિપક્ષી ગઠબંધન ઉમેદવારને મેદાનમાં ઉતારશે. સોમવારે ગઠબંધનના તમામ પક્ષો વચ્ચે સહમતિ સધાઈ હતી. વિપક્ષ હવે ભાજપના જવાબની રાહ જોઈ રહ્યું છે. જવાબ આવ્યા બાદ આજે સવારે અધ્યક્ષ પદના ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.
સરકારનું કહેવું છે કે વિપક્ષને ઉપાધ્યક્ષ પદ આપવાનો કોઈ નિયમ નથી. આ એક પરંપરા છે જેને કોંગ્રેસે તોડવાનું શરૂ કર્યું છે. બીજી લોકસભામાં નહેરુ સરકાર દરમિયાન આ જવાબદારી કોંગ્રેસના હુકુમ સિંહને આપવામાં આવી હતી. ગઠબંધન સરકાર દરમિયાન ઘણી વખત સરકારનું નેતૃત્વ કરી રહેલી પાર્ટીએ પોતાના સહયોગી પક્ષને અધ્યક્ષ પદ આપ્યું છે અને ઉપાધ્યક્ષ પદ પોતાની પાસે રાખ્યું છે. આવી સ્થિતિમાં તેને મુદ્દો ન બનાવવો જોઈએ.