નેશનલ

politics: ઇન્ડિયા ગઠબંધન (India allience) નામ પૂરતું? બેઠકોની ફાળવણી મુદ્દે આંતર યુદ્ધ…

નવી દિલ્હી: આગામી લોકસભાની ચૂંટણી માટે ભાજપને હરાવવા વિપક્ષી દળોએ ભેગા થઇને ઇન્ડિયા ગઠબંધન (India allience) બનાવ્યું છે. પણ આ ગઠબંધન જાણે નામ પૂરતું જ છે. કારણ કે લોકસભાની ચૂંટણીમાં બેઠકોની ફાળવણી મુદ્દે હજી પણ ઇન્ડિયા ગઠબંધનમાં એકમત થઇ શક્યું નથી. ત્યાં બંગાળમાં મમતા દિદી એકલા ચૂંટણી લડવા માંગે છે, યુપીની વાત કરીએ તો અખિલેશ યાદવનો અલગ જ દબદબો છે, મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે કંઇક અલગ જ રણનિતી ઘડી રહ્યાં છે. ત્યારે ઇન્ડિયા ગઠબંધનનો આ સંઘ કાશીએ પહોંચશે કે નહીં તેની સામે એક મોટો પ્રશ્નાર્થ છે.

લોકસભાની ચૂંટણીમાં ઇન્ડિયા ગઠબંધનનો સીટ શેરીંગનો ફોર્મ્યુલા કેવો હશે તે અંગે રાજકીય વર્તુળોમાં અનેક ચર્ચાઓ થઇ રહી છે. જોકે ગઠબંધનમાં સામેલ પક્ષો વચ્ચે પણ સીટ શેરીંગને લઇને વિવાદ થઇ રહ્યાં હોવાની વિગતો મળી રહી છે. મહારાષ્ટ્રમાં તો આ વિવાદ સોશિયલ મીડિયા પર ખૂલીને સામે આવી રહ્યો છે. શિવસેના ઠાકરે જૂથ અને કોંગ્રેસના નેતાઓ અંદર અંદર જ લડી રહ્યાં છે. પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન અને ટીએમસી નેતા મમતા બેનર્જીએ સાફ સાફ કહી દીધુ છે કે તે પોતાના રાજ્યમાં એકલા હાથે ચૂંટણી લડશે. એટલે કે તેઓ કોંગ્રેસ અને લેફ્ટ સાથે સીટ શેરીંગ માટે તૈયાર નથી. એવા જ હાલ સપાના અધ્યક્ષ અખિલેશ યાદવના પણ છે.


અત્રે ઉલ્લેખનીય છે કે ઇન્ડિયા ગઠબંધન બેઠકમાં સીટ શેરીંગને લઇને બધા સહમત થાય તે માટે 31મી ડિસેમ્બરની ડેડલાઇન રાખવામાં આવી છે. પણ એ શક્ય કઇ રીતે બનશે તે એક મોટો કોયડો છે. પંજાબ, દિલ્હીથી લઇને મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ અને યૂપી સુધી સીટ શેરીંગને લઇને પેચ ફસાયો છે. અને ગઠબંધનમાં સામેલ પક્ષોના સ્થાનીય નેતાઓ વચ્ચે અંદર અંદર વિવાદ ચાલી રહ્યા છે.


દિલ્હીમાં યોજાયેલી બેઠકમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ કહ્યું હતું કે, પહેલાં રાજ્ય સ્તરે બેઠકોની વહેંચણીનો પ્રશ્ન હલ કરવામાં આવશે. જો ત્યાં આ વાતનું સમાધાન નહીં મળે તો આ પ્રશ્ન દિલ્હીસ્તરે હલ કરવામાં આવશે. દિલ્હી અને પંજાબ જેવા રાજ્યો જ્યાં ખરેખર પ્રોબ્લેમ છે તેનો હલ કઇ રીતે લાવવો એ અંગે પછી વિચાર કરીશું. અને હવે આ ડેડલાઇનનો એક જ દિવસ બાકી છે. ત્યારે શું ઇન્ડિયા ગઠબંધનમાં એકમત થશે? કે પછી આ ગઠબંધન બનતા પહેલાં જ તૂટી જશે એ તો આવનારો સમય જ બતાવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button