INDIA Alliance: બિહાર સીટ શેરીંગ અંગે સહમતી બની, આરજેડી અને કોંગ્રેસ આટલી સીટ પર લડશે

પટના: લોકસભાની ચૂંટણી(Loksabha Election)માટે તમામ રાજકીય પક્ષો પોત પોતાની રીતે તૈયારીઓ કરી રહ્યા છે. ચૂંટણીના બીજા તબક્કા માટે ઉમેદવારી પત્રક ભરવાની પ્રક્રિયા પણ ગુરુવારથી શરૂ થઈ ગઈ છે. રાજકીય પક્ષો બેઠકો પર યોગ્ય ઉમેદવારોના નામ માટે મંથન કરી રહી છે. ભાજપને હરાવવા એકઠા થયેલા વિપક્ષી દળોના ગઠબંધન INDIAમાં મુશ્કેલીઓ છતાં સીટ શેરીંગ અંગે સમજુતી બની રહી છે.
અહેવાલો મુજબ બિહારમાં INDIA ગઠબંધન હેઠળ સીટ શેરિંગ ફોર્મ્યુલા નક્કી થઇ ગઈ છે. લાલુ પ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ 26 બેઠકો પર ચૂંટણી લડશે જ્યારે કોંગ્રેસ 9 બેઠકો પર પોતાના ઉમેદવારો ઉતારશે. જ્યારે ડાબેરી પક્ષો 5 બેઠકો પર ચૂંટણી લડશે.
આરજેડી નેતા અબ્દુલ બારી સિદ્દીકી સહિત કોંગ્રેસ અને ડાબેરી પક્ષોના નેતાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે સીટ શેરીંગ અંગે સમજૂતી થઈ ગઈ છે. ડાબેરી પક્ષો વચ્ચે, બેગુસરાયમાં એક સીટ CPIને અને ખગરીયામાં એક સીટ CPI(M)ને આપવા પર સહમતિ બની છે. જ્યારે, CPI(ML)ને ત્રણ બેઠકો નાલંદા, અરાહ અને કરકટ આપવામાં આવી છે.
બિહારમાં ગઠબંધનમાં સીટ શેરીંગ અંગે છેલ્લા ઘણા દિવસોથી દિલ્હીમાં મંથન ચાલી રહ્યું હતું. ગોપાલગંજ, વાલ્મિકીનગર અને શિવહર સીટો પર સૌથી ચર્ચા થઇ હતી. કોંગ્રેસ અને આરજેડી નેતાઓ વચ્ચે બે રાઉન્ડની બેઠકોમાં ચર્ચા થઈ. આ બેઠક ગુરુવારે નવી દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના ઘરે યોજાઈ હતી.
આ પહેલા RJDએ ઘણી સીટો પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા હતા. RJDએ પાટલીપુત્રથી મીસા ભારતી, સારણથી રોહિણી આચાર્ય, બક્સરથી સુધાકર સિંહ, મુંગેરથી અશોક મહતોની પત્ની અનિતા દેવી, મહારાજગંજથી રણધીર સિંહ, જહાનાબાદથી સુરેન્દ્ર યાદવ, ઉજિયારપુરથી આલોક મહેતા, બાંકાથી જયપ્રકાશ નારાયણ યાદવને ટિકિટ આપવામાં આવી છે. જાહેર કરાયેલા ઉમેદવારોમાં ચાર યાદવ, ત્રણ કુશવાહ, બે રાજપૂત, એક-એક પાસવાન, રવિદાસ અને ધનુક સમુદાયના છે.