
લખનઉ: આગામી લોકસભા ચૂંટણી પહેલા I.N.D.I.A ગઠબંધન હેઠળ ઉત્તર પ્રદેશ(Uttar Pradesh)માં સીટ શેરીંગ મામલે સમાજવાદી પાર્ટી(SP) અને કોંગ્રેસ(Congress) વચ્ચે મતભેદ ઉભો થયો હતો. પરંતુ તાજેતરના અહેવાલ મુજબ બંને પક્ષો ગઠબંધન માટેની ફોર્મ્યુલા પર લગભગ સહમત થઈ ગયા છે. આજે સાંજ સુધીમાં સીટ વહેંચણીની જાહેરાત કરવામાં આવશે. આ અંગે સપા પ્રમુખ અખિલેશ યાદવે કહ્યું કે અમારી વચ્ચે કોઈ વિવાદ નથી, ગઠબંધન થશે. ટૂંક સમયમાં બધું સ્પષ્ટ થઈ જશે. અંત ભલા તો સબ ભલા.
અખિલેશ યાદવે કહ્યું કે, સમાજવાદી પાર્ટી વધુમાં વધુ લોકોને જોડવાનો પ્રયાસ કરશે. સમય આવશે ત્યારે લોકોને જવાબદારી સોંપવામાં આવશે.
અહેવાલો મુજબ આજે સાંજે સીટ વહેંચણી અંગે જાહેરાત થઈ શકે છે. સાંજે 5 વાગ્યે સંયુક્ત પત્રકાર પરિષદ થશે. જેમાં બંને પક્ષોના વરિષ્ઠ નેતાઓ પણ ભાગ લેશે.
બંને પક્ષોના રાજ્ય એકમોએ ગઠબંધનની જાહેરાત કરી છે. યુપીમાં લોકસભાની કુલ 80 સીટો છે. ત્રણ બેઠકો પર દાવેદારી બાબતે બંને પક્ષો વચ્ચે મતભેદ ઉભો થયો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર હજુ બે-ત્રણ બેઠકો પર વાતચીત ચાલી રહી છે. સપાએ કોંગ્રેસને સીતાપુર સહિત 17 સીટોની ઓફર કરી હતી, કોંગ્રેસ આ માટે રાજી થઈ ગઈ છે. સમાજવાદી પાર્ટી કોંગ્રેસ પાર્ટી માટે અમરોહા સીટ છોડી શકે છે. કોંગ્રેસ હવે હાથરસને બદલે સીતાપુર સીટ પસંદ કરી શકે છે.
એક દિવસ પહેલા એવી અટકળો હતી કે સપા અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનને તૂટી શકે છે. સૂત્રોએ જણાવ્યું કે સપા પ્રમુખ અખિલેશ યાદવ મુરાદાબાદ, બલિયા અને બિજનૌર સીટો કોંગ્રેસને આપવા તૈયાર નથી. જ્યારે કોંગ્રેસ પોતાના પ્રદેશ અધ્યક્ષ અજય રાય માટે બલિયા સીટ પર દાવ લગાવવા માંગે છે.