વિભાજનની વેદના: 86 વર્ષના પીડિત વૃદ્ધાએ કહ્યું એ રાતે ટ્રકમાં ઘેટાં-બકરાંની માફક ભારત પહોંચ્યા પણ…

Pain of India-Pakistan Partition: 15 ઓગસ્ટ 2025ના ભારત પોતાની સ્વતંત્રતાની 79મી વર્ષગાંઠ ઉજવશે. ભારતના ઈતિહાસમાં આ દિવસ આનંદની સાથોસાથ વેદનાથી પણ ભરાયેલો છે, કારણ કે આઝાદ થતાની સાથે જ ભારતનું વિભાજન થઈ ગયું હતું. એવા સમયે પાકિસ્તાનથી ભારત આવનારા લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.
ઘણા લોકોએ પોતાના સ્વજનો પણ ગુમાવ્યા હતા. આઝાદી સમયે પાકિસ્તાનથી ભારત આવનાર 86 વર્ષના સુદર્શના કુમારીએ પોતાની વ્યથાની વાત શેર કરતા કહ્યું કે રાતોરાત પાકિસ્તાનથી ભારત આવ્યા પણ અનેક સ્વજનોને ગુમાવવાનો વસવસો રહી ગયો હતો.

પાકિસ્તાનમાં જન્મ્યા હતા સુદર્શના કુમારી
1939માં પાકિસ્તાનના શેખુપુરા જિલ્લામાં જન્મેલ સુદર્શના કુમારી આજે 86 વર્ષની ઉંમર ધરાવે છે. લાહોરથી 24 માઈલ દૂર આવેલા આ વિસ્તાર ભારતના ભાગલા બાદ પાકિસ્તાનના પંજાબ પ્રાંતનો ભાગ બન્યો હતો, જેથી આઝાદીના સમયે 8 વર્ષીય સુદર્શના કુમારી પણ નરસંહાર સહિતની અનેક ઘટનાઓના સાક્ષી બન્યા હતા. જેનો તેમણે મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં ઉલ્લેખ કર્યો છે.
મારી માતા સાથે હું દીવાલ કૂદીને ભાગી
મીડિયાને ઈન્ટરવ્યૂ આપતા સુદર્શના કુમારીએ જણાવ્યું હતું કે, “મારી માતા સાંજના ભોજન માટે રોટલી બનાવી રહી હતી. ત્યારે પડોશી સતપાલે આવીને કહ્યું કે, નજીકના લાકડાંના કારખાનામાં હુમલાખોરોએ આગ લગાવી દીધી છે. કારખાનું અમારા ઘરથી ઘણું નજીક હતું. તેની આગ અમારા ઘરેથી દેખાતી હતી. મારા માતાએ તેને જોઈને રોટલી બનાવવાનું બંધ કર્યુ અને જલ્દી એક સંદૂકમાંથી થોડોક સામાન અને વાસણ કાઢ્યા અને મને લઈને છતની દીવાલ કૂદીને ઘરથી ઘણો દૂર ચાલી ગઈ.”
પ્રદર્શન કરનારાએ તાઉના પરિવારને મારી નાખ્યો
સુદર્શના કુમારીએ આગળ જણાવ્યું કે, “અમે શેખૂપુરના સિવિલ હેડક્વાર્ટર ખાતે પહોંચ્યા હતા. જોકે, હેડક્વોટરની દીવાલ બહુ ઊંચી ન હતી. તેથી વિરોધ પ્રદર્શન કરનારાએ ત્યાં આવી શકે તેમ હતા. તેથી અમે ત્યાં છુપાયા નહોતા, પરંતુ તે સરકારી ઇમારત હોવાને કારણે તેને કોઈ નુકસાન થયું નહીં. અમે શેખૂપુર શહેરના જ એક અન્ય ઘરમાં જઈને સંતાઈ ગયા. અમે બે દિવસથી ભૂખ્યા હતા.

ઘરના છત પરના છિદ્રોમાંથી જ્યારે અમે જોતા ત્યારે મોટી પાઘડી બાંધેલા, ચહેરા પર કપડાં અને બંદૂક સાથે સજ્જ લોકો ઘરને સળગાવતા, લૂંટતા અને જે સામે આવે તેને મારી નાખતા જોવા મળ્યા હતા. આ હિંસામાં તેમણે મારા તાઉના પરિવારને પણ મારી નાખ્યો હતો. જેમાં તેમની એક વર્ષની બાળકીનો પણ સમાવેશ થતો હતો. જોકે, મારા તાઉની એક દીકરી હુલ્લડખોરોથી બચીને ભાગી ગઈ હતી. મેં મારા પરિચિતોના સડેલા દુર્ગંધ મારતા મૃતદેહો જોયા છે.”
ટ્રકમાં ઘેટાં-બકરાંની જેમ ભારત પહોંચ્યા
સુદર્શના કુમારીએ વધુમાં જણાવ્યું કે, “પાકિસ્તાનમાં પોતાનું ઘર છોડીને ભાગેલા ઘણા લોકો અમને મળ્યા હતા. તેથી અમારો એક આખો કાફલો તૈયાર થઈ ગયો હતો. અમારો કાફલો એક ટ્રકની રાહ જોઈ રહ્યો હતો. આ ટ્રક અમને ભારત પહોંચાડવાની હતી. બે ટ્રકમાં આશરે 300થી વધુ લોકોને ઘેટાં-બકરાંની જેમ ભરીને વાઘા બોર્ડર સુધી લાવવામાં આવ્યા હતા. આખરે અમે ભારત પહોંચીને શરણાર્થીઓના કેમ્પમાં રોકાયા હતા.”