ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, જાણો તેમની રાજકીય સફર | મુંબઈ સમાચાર
નેશનલ

ભારતના 15મા ઉપરાષ્ટ્રપતિ બન્યા સીપી રાધાકૃષ્ણન, જાણો તેમની રાજકીય સફર

નવી દિલ્હી : ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ તરીકે સીપી રાધાકૃષ્ણન ચૂંટાયા છે. સીપી રાધાકૃષ્ણન ભારતના 15 મા ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. 67 વર્ષીય રાધાકૃષ્ણન હાલમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે. જે હવે ઉપરાષ્ટ્રપતિનું પદ સંભાળશે. ઉપરાષ્ટ્રપતિ પદ માટે આજે યોજાયેલી ચૂંટણીમાં એનડીએ ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનને 452 મત મળ્યા હતા. જયારે વી સુદર્શન રેડ્ડીને 300 મત મળ્યા છે. લોકસભા અને રાજ્યસભાના સાંસદોએ ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન કર્યું હતું.

રાજકીય સફર વર્ષ 1998માં શરૂ થઈ હતી

ભારતના નવા ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનનો જન્મ તમિલનાડુના તિરુપુર જિલ્લામાં થયો હતો. તેઓ 17 વર્ષની વયે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાયેલા છે. ભાજપ સાથે તેમનો લાંબો સબંધ રહ્યો છે. તેમની રાજકીય સફર વર્ષ 1998માં શરૂ થઈ હતી. જ્યારે તેઓ કોઈમ્બતુરથી લોકસભા માટે ચૂંટાયા હતા.

તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા

સીપી રાધાકૃષ્ણન અટલ બિહારી વાજપેયી સરકાર દરમિયાન વર્ષ 1998 અને 1999 ની સામાન્ય ચૂંટણીઓમાં સતત બે વાર સાંસદ બન્યા હતા. વર્ષ 1998 ની જીત ખાસ હતી કારણ કે તે કોઈમ્બતુર બોમ્બ વિસ્ફોટ પછી થઈ હતી અને ભાજપને તમિલનાડુમાં પહેલીવાર ત્રણ બેઠકો મળી હતી. તેઓ વર્ષ 2004 -2007 સુધી તમિલનાડુ ભાજપના પ્રદેશ પ્રમુખ રહ્યા હતા.

કોઈમ્બતુરથી લોકસભા ચૂંટણીમાં ઝંપલાવ્યુ હતું

તેઓ વર્ષ 2014 અને વર્ષ 2019 ની લોકસભા ચૂંટણીમાં કોઈમ્બતુરથી ભાજપના ઉમેદવાર હતા, જ્યાં વર્ષ 2014 માં તેઓ 3.89 લાખથી વધુ મતો મેળવીને બીજા સ્થાને રહ્યા હતા. વર્ષ 2016-2020 સુધી, તેઓ કેન્દ્રીય સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ મંત્રાલય હેઠળના કોઈર બોર્ડના અધ્યક્ષ હતા. તેઓ ભાજપના રાષ્ટ્રીય કાર્યકારિણી સભ્ય તરીકે પણ સક્રિય હતા.

ઝારખંડ અને મહારાષ્ટ્રના રાજ્યપાલ હતા

વર્ષ 2023 માં કેન્દ્ર સરકારે તેમને ઝારખંડના રાજ્યપાલ તરીકે નિયુક્ત કર્યા હતા. જ્યાં તેમણે આદિવાસી સમુદાયોના સશક્તિકરણ પર ભાર મૂક્યો. ફેબ્રુઆરી 2024 માં તેઓ મહારાષ્ટ્રના 24મા રાજ્યપાલ બન્યા છે. તેમના સત્તાધારી ઉપરાંત વિપક્ષો સાથે પણ સંબંધો પણ સારા માનવામાં આવે છે.

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button