ઈન્ડી સરકાર કૃષિ લોન માફ કરશે, અગ્નિવીર યોજના બંધ કરશે: રાહુલ ગાંધી
બાલાસોર (ઓડિશા): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અગ્નિવીર યોજનાના માધ્યમથી જવાનોને મજૂર બનાવી નાખ્યા હોવાનો ગંભીર આક્ષેપ કરતાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે કહ્યું હતું કે ભાજપે ઓડિશાના લોકોનું અપમાન કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ભાજપના એક નેતા દ્વારા એવું નિવેદન કરવામાં આવ્યું હતું કે ભગવાન જગન્નાથ મોદીના ભક્ત છે.
ઓડિશાના સિમુલિયામાં પ્રચાર રેલીને સંબોધતાં તેમણે શપથ લીધી હતી કે તેઓ બંધારણ અને લોકશાહીને બચાવશે. તેમણે એવી જાહેરાત કરી હતી કે ઈન્ડી ગઠબંધનની સરકાર અનાજ પર લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)ને કાનૂની બનાવશે, કૃષિ લોનને માફ કરશે તેમ જ અગ્નિવીર યોજનાને બંધ કરી નાખશે.
અમે અગ્નિવીર યોજનાને રદ કરીશું કેમ કે આ યોજના દ્વારા મોદીએ જવાનોને મજૂર બનાવી નાખ્યા હતા, અમે તેમને ફરી સૈનિકો બનાવશું, એમ તેમણે રેલી બાદ પત્રકારોને સંબોધતાં કહ્યું હતું.
તેમણે કહ્યું હતું કે બધા જ સૈનિકોને પેન્શન, કેન્ટિનની સુવિધા અને તેમનું મૃત્યુ થાય તો શહીદનો દરજ્જો આપવામાં આવશે.
બીજેડીની સરકાર ભાજપની સાથે મળીને કામ કરી રહી હોવાનો આક્ષેપ કરતાં તેમણે કહ્યું હતું કે ભગવી પાર્ટી સાથે હું લડી રહ્યો છું અને તેથી કેન્દ્ર સરકારે મારી સામે 24 બદનક્ષીના અને ફોજદારી ગુના નોંધ્યા છે.
ઈડીએ મારી 50 કલાક માટે પુછપરછ કરી હતી. ભાજપે મારું સંસદસભ્ય પદ છીનવી લીધું હતું. મારું સત્તાવાર નિવાસસ્થાન પણ લઈ લીધું. જો નવીન બાબુ ખરેખર ભાજપના વિરુદ્ધમાં લડતા હોત તો તેમની સામે કેમ આવા કોઈ કેસ નથી? એવો સવાલ રાહુલ ગાંધીએ કર્યો હતો.
તેલંગણામાં બીઆરએસ અને ભાજપ વચ્ચે સમજૂતી હતી અને કૉંંગ્રેસે બંને સામે લડીને તેમની કમર તોડી નાખી હતી, એમ તેમણે કહ્યું હતું.
તેમણે એમ પણ કહ્યું હતું કે ભાજપે અરબપતિઓના 16 લાખ કરોડ માફ કરી દીધા હતા અને કૉંગ્રેસ ખેડૂતોની કૃષિ લોન માફ કરશે. તેમણે મનરેગામાં મળતી રકમ રૂ. 250થી વધારીને રૂ. 400 કરવાનું વચન આપ્યું હતું. (પીટીઆઈ)