
રાંચીઃ ભારત અને ઈન્ગ્લેન્ડ વચ્ચે રમાતી ચોથી પાંચ દિવસીય આંતરરાષ્ટ્રીય ટેસ્ટ મેચના બીજા દિવસે ભારતનો સ્કોર 7 વિકેટે 219 રન થયો હતો. જોકે ફરી એક વાર ભારતીય ટીમ માટે યશસ્વીને કારણે જ 219 રન કરવામાં યશસ્વી બની હતી.
ટેસ્ટ મેચના પ્રથમ દિવસે ઈન્ગ્લેન્ડે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જો રૂટના (122 રન)ને કારણે ઈન્ગ્લેન્ડની ટીમ મજબૂત સ્થિતિમાં આવી હતી. જોકે ઈન્ગ્લેન્ડ વતી રોબિન્સન (58), ફોક્સ (47) અને ક્રોવલી (42)ના રનને કારણે ઈન્ગ્લેન્ડનો સ્કોર 353 રન સુધી પહોંચ્યો હતો. બીજા દિવસની રમત શરૂ થવાની સાથે જ ઈન્ગ્લેન્ડની ટીમ સસ્તામાં આઉટ થઇ ગઇ હતી. પહેલા દિવસના રમતના અંતે કરેલા સ્કોરમાં ઈન્ગ્લેન્ડની ટીમ માત્ર 51 રન જ ઉમેરી શકી હતી.
ભારતનો સ્કોર 4 રન હતો અને ભારતે કેપ્ટન રોહિત શર્મા (બે રન)ની વિકેટ ગુમાવી હતી. જેમ્સ એન્ડરસનની બોલિંગમાં તે ફોક્સના હાથમાં આસાનીથી ઝિલાઈ ગયો હતો. જોકે બાદમાં યશસ્વી અને શુભમન ગિલની કીમતી 82 રનની ભાગદારીને કારણે એક સમયે ભારત મજબૂત પક્કડ જમાવી બેસે એવું જણાતું હતું, પણ બસીરની બોલિંગમાં ગિલ પણ એલબીડબ્લ્યુ આઉટ થઇ ગયો હતો. આમ એક પછી એક વિકેટો ગુમાવીને ભારતીય ટીમ ખૂબ જ કંગાળ સ્થિતિમાં આવી ગઇ હતી. જોકે ફરી એક વાર યશસ્વી જયસ્વાલે (8 ચોગ્ગા અને 1 સિક્સર) 73 રન કરીને ભારતને સારી પોઝિશનમાં મૂક્યું હતું. રમતના અંતે કુલદીપ યાદવ (17 રન) અને ધ્રુવ જુરેલે (30 રન) ધુરા સંભાળીને 42 રનની ભાગીદારી નોંધાવી હતી અને ભારતને એક સન્માનજનક સ્થિતિમાં મૂક્યું હતું.