સરકાર હવે તમારી WhatsApp ચેટ્સ પણ વાંચી શકશે? નિર્મલા સીતારમણે આવકવેરા બીલ અંગે કહી આ વાત

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર આવકવેરા વિભાગને મહત્વની સત્તા આપવા જઈ રહી છે. સરકારે ઇન્કમ ટેક્સ બીલ 2025 (Income Tax 2025 bill) રજુ કર્યું છે. આ બીલમાં અધિકારીઓને ટેક્સ પેયર્સના વોટ્સએપ, ઇમેઇલ અને સોશિયલ મીડિયા જેવા ડિજિટલ પ્લેટફોર્મની તપાસ કરવાની સત્તા આપવાની જોગવાઈ છે. ટેક્સ ચોરીની તપાસ સરળ બનાવવાના હેતુથી આ જોગવાઈ કરવામાં આવી છે.
જો આ બીલ પાસ થઇ જશે તો અધિકારીઓ ટેક્સ પેયર્સની ખાનગી ચેટ્સ, ક્લાઉડ સ્ટોરેજ અને એન્ક્રિપ્ટેડ મેસેજીસને પણ સ્કેન કરી શકે છે. આ અંગે સરકારનું કહેવું છે કે ટેક્સ ચોરી અટકાવવા માટે આ પગલું જરૂરી છે, આ સાથે જ લોકોની પ્રાયવસી અંગે પણ પ્રશ્નો ઉભા થયા છે. જેના કારણે આ બીલનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કેસરી અભિજિત કટકેના ઘરે આવકવેરા વિભાગના દરોડા…
સરકારની દલીલ:
ઇન્કમ ટેક્સ બીલ 2025 પાસ થશે તો તે 1961ના ઇન્કમ ટેક્સ બીલનું સ્થાન લેશે. સરકારનું માનવું છે કે હાલના કાયદા જૂના સમય અનુસાર બનાવવામાં આવ્યા હતા, જે આજની ડિજિટલ ટેકનોલોજી સાથે સુસંગત નથી. તેથી, તેમાં કેટલાક એવા ફેરફારો કરવામાં આવી રહ્યા છે.
આ સર્વિસીસને થઇ શકે અસર:
નવા બિલમાં કરવામાં આવેલી જોગવાઈ મુજબ વર્ચ્યુઅલ ડિજિટલ સ્પેસમાં ઇમેઇલ સર્વર્સ, સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ, ઓનલાઈન ઇન્વેસ્ટમેન્ટ અને ટ્રેડિંગ એકાઉન્ટ્સ, ક્લાઉડ સ્ટોરેજ અને વોટ્સએપ, ટેલિગ્રામ, ઇમેઇલ વગેરે જેવા પ્લેટફોર્મનો સમાવેશ થઈ શકે છે.
જો કોઈ વ્યક્તિ અધિકારીઓને ઇમેઇલ, વોટ્સએપ જેવા ડિજિટલ એકાઉન્ટ્સની ઍક્સેસ નહીં આપે, તો નવા બિલ હેઠળ, અધિકારી સિક્યોરિટીને બાયપાસ કરીને ટેક્સ પેયર્સના ડેટાને ઍક્સેસ કરી શકે છે.
આપણ વાંચો: પાટણના ચા વાળાને આવકવેરા વિભાગે ફટકારી રૂપિયા 49 કરોડની નોટિસ!
સરકાર એન્ક્રિપ્શન તોડશે?
બિલમાં સ્પષ્ટપણે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે અધિકારીઓ ડિજિટલ ડેટા ક્યારે અને કેવી રીતે ઍક્સેસ કરી શકે છે. પરંતુ વોટ્સએપ અને ટેલિગ્રામ જેવા પ્લેટફોર્મ યુઝર્સને એન્ડ-ટુ-એન્ડ એન્ક્રિપ્શન આપે છે. જેના કારણે કોઈ ત્રીજો વ્યક્તિ તમારી ચેટ વાંચી શકે નહીં. તેથી, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે સરકાર આ એન્ક્રિપ્શન તોડવાની યોજના બનાવી રહી છે કે ફક્ત ડીવાઈસનો ડેટાનો ઉપયોગ કરશે.
નિર્મલા સીતારમણે વાત સ્વીકારી:
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સ્વીકાર્યું છે કે અગાઉ ઘણા કિસ્સામાં વોટ્સએપ અને અન્ય એન્ક્રિપ્ટેડ પ્લેટફોર્મ પર મળેલા મેસેજીસથી ટેક્સચોરી અને બિનહિસાબી સંપત્તિનો ખુલાસો થયો છે. પ્રસ્તાવિત બિલમાં, અઘોષિત આવકની વ્યાખ્યાને વધુ વિસ્તૃત કરવામાં આવી છે.
નિર્મલા સીતારમણે જણાવ્યું કે આવી જોગવાઈઓ નવી નથી અને હાલમાં IT એક્ટ, 1961 ની કલમ 132 હેઠળ લાગુ છે.