ફ્રી સ્માર્ટફોન યોજનાને લઇને મુશ્કેલીમાં ગહેલોત, જોધપુર હાઇકોર્ટે ફટકારી નોટિસ | મુંબઈ સમાચાર

ફ્રી સ્માર્ટફોન યોજનાને લઇને મુશ્કેલીમાં ગહેલોત, જોધપુર હાઇકોર્ટે ફટકારી નોટિસ

જોધપુર: રાજસ્થાનમાં 1 કરોડ ચિરંજીવી કાર્ડધારક લાભાર્થી મહિલાઓને ઇન્દિરા ગાંધી સ્માર્ટફોન ગેરંટી કાર્ડ આપવાની યોજના અંગે જોધપુર હાઇકોર્ટે ગહેલોત સરકારને નોટિસ ફટકારી 5 ઓક્ટોબર સુધીમાં જવાબ માગ્યો છે. મુદિત નાગપાલ નામના વ્યક્તિએ દાખલ કરેલી અરજી અંગે કોર્ટે સરકારને 5 ઓક્ટોબર સુધીમાં જવાબ આપવાનો આદેશ કર્યો છે.

અરજદારે આ યોજનાના હેતુ પર સવાલો ઉઠાવી આવનારી વિધાનસભા ચૂંટણીઓને પગલે રાજકીય ફાયદો મેળવવા માટે યોજના લાગુ કરવામાં આવી રહી હોવાનો તેમજ યોજનાના ખર્ચને કારણે સરકારી તિજોરી પર ગંભીર આર્થિક બોજ પડવાનો આક્ષેપ કર્યો છે.

આ યોજના કલ્યાણકારી યોજનાઓનો હેતુ સાધતી ન હોવાનું અરજદારે જણાવ્યું હતું. તેણે કોર્ટમાં તર્ક રજૂ કર્યો હતો કે બંધારણની કલમ 14નું ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. ઇન્દિરા ગાંધી સ્માર્ટફોન યોજનાના ઉદ્દેશ્યો અને કાર્યો પરથી એવું સ્પષ્ટ જણાઇ આવે છે કે આમાં પ્રજાકલ્યાણનો કોઇ હેતુ નથી, 1 કરોડ મહિલાઓને સ્માર્ટફોન આપવાના પ્રસ્તાવને કારણે રાજ્યની અર્થવ્યવસ્થા અને બજેટ પર ભારે આર્થિક બોજ લદાવાની શક્યતાઓ છે. સરકારે રાજ્યના બજેટ અને વિનિયોગ અધિનિયમમાં તેને મંજૂર પણ નથી કરાવી તેમજ બજેટ પ્રબંધન અધિનિયમ 2005ની પણ તે વિરુદ્ધ છે.

ઉલ્લેખનીય છે કે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે ગત 15 ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે મોટી જાહેરાત કરતા કહ્યું હતું કે ચિરંજીવી કાર્ડ ધરાવનાર પરિવારોની એક કરોડ મહિલાઓને ઈન્ટરનેટ કનેક્ટિવિટી સાથેનો સ્માર્ટફોન આપવામાં આવશે, ત્યારબાદ આયોજન વિભાગની મુખ્ય બેઠકમાં 21 ઓગસ્ટના રોજ રાજસ્થાન હાઈકોર્ટની બેન્ચ સમક્ષ આ યોજનાના અમલીકરણને પડકારવામાં આવી હતી. જો કે સુનાવણી વચ્ચે પણ રાજસ્થાનમાં કેમ્પ લગાવીને મહિલાઓને સ્માર્ટફોનનું વિતરણ ચાલુ છે.

સંબંધિત લેખો

Back to top button