ભારતના આ મંદિરમાં આજે પણ ભગવાન રામને દિવસમાં પાંચ વખત અપાય છે Guard Of Honour
આજે આખા દેશમાં ધામધૂમથી રામ નવમીનું ઉજવણી થઈ રહી છે ત્યારે અમે તમને ભારતમાં જ આવેલા એક એવા અનોખા રામ મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જ્યાં આજે પણ આખા દિવસમાં પાંચ વખત પોલીસ ખુદ ગાર્ડ ઓફ ઓનર આપે છે અને લોકો ભગવાન રામને રાજા તરીકે જુએ છે. ચાલો જોઈએ ક્યાં આવેલું છે આ મંદિર અને ક્યારથી અહીં ભગવાન રામને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા ચાલી આવી છે…
આ મંદિર આવેલું છે ભારતના મધ્ય પ્રદેશ રાજ્યમાં ઓરછામાં અને આ મંદિર જે પોતાના આગવા મહિમા માટે પ્રસિદ્ધ છે. અહીંના લોકોની એવી માન્યતા છે કે ભગવાન રામ અહીં રોજ રાતે ઊંઘવા માટે આવે છે અને સવારે હનુમાનજી તેમને અયોધ્યા પાછા લઈ જાય છે. બેતવા નદીના કિનારે આવેલા રામ મંદિરની ગણતરી દેશના પ્રમુખ રામ મંદિરમાં કરવામાં આવે છે.
અહીંના લોકોની એક એવી ધાર્મિક માન્યતા છે કે ઓરછામાં આજે પણ ભગવાન રામનું રાજ્ય છે. પોલીસ દ્વારા આ મંદિરમાં રાજા રામને દિવસમાં પાંચ વખત ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવે છે.
ભગવાન રામને અહીંના લોકો રાજા તરીકે જ જુએ છે અને રાજા રામને ગાર્ડ ઓફ ઓનર આપવાની પરંપરા 1-2 વર્ષ નહીં પણ પૂરા 400 વર્ષ જૂની હોવાની કહેવાય છે. આજે પણ લોકોની એવી દ્રઢ માન્યતા છે કે તેમના રાજા તો ભગવાન રામ જ છે અને તેઓ દરરોજ રાતે અહીં સૂવા માટે આવે છે અને સવારે અયોધ્યા પાછા ફરે છે.
આ પાછળની એક દંતકથા એવી પણ છે કે ઓરછાના રાજા કૃષ્ણ ભક્ત હતા અને તેમના પત્ની રામ ભક્ત હતા. પતિ પત્ની વચ્ચે કોઈ વાતે દલીલ પર ઉતરી ગયા અને રાજાએ તેમના પત્નીને કહ્યું કે એવું જ હોય તો તમારા ભગવાન રામને ઓરછામાં લઈ આવો. રાણી તો રામને ઓરછા લાવવાની હઠ લઈને બેસી ગયા અને કઠોર તપ કર્યું.
21 દિવસના તપ બાદ આખરે ભગવાન રામ પ્રસન્ન થયા અને રાણી સાથે અયોધ્યાથી ઓરછા આવવા તૈયાર થયા. પણ એ સમયે ભગવાન રામે રાણી સામે ત્રણ શરતો મૂકી જેમાંથી એક શરત હતી કે જો હું ઓરછા આવું તો ત્યાંનું રાજાનું પદ મારૂ. રાણીએ આ શરત માન્ય કરી અને બસ આ રીતે અયોધ્યાથી ઓરછા આવતા આવતા ભગવાન રામ ભગવાન મટીને રાજા રામ બની ગયા…