આ રાજ્યમાં તમે પરીક્ષામાં પેપરલીક કે નકલ કરતા પકડાયા તો તમારી ખેર નથી….
રાંચી: હાલના સમયમાં વિદ્યાર્થીઓ ઘણી સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપતા હોય છે પરંતુ આ પરીક્ષાઓમાં ઘણીવાર અગાઉથી જ પેપર લીક થઇ જતા હોય છે કે પછી મકલ થતી હોય છે જેને કારણે ઘણા વિદ્યાર્થીઓનું તેનું નુકસાવ થતું હોય છે. આથી ઝારખંડ સરકારે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પેપર લીક અને નકલ રોકવા માટે કડક કાયદો બનાવ્યો છે અને આ કાયદાને રાજ્યપાલ સીપી રાધાક્રિષ્નને ગયા ઓગસ્ટમાં વિધાનસભામાં મંજૂરી આપી દીધી છે.
તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે ક આ કાયદા પ્રમાણે સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર લીક કરવા બદલ ઓછામાં ઓછા 10 વર્ષ અને વધુમાં વધુ આજીવન કેદથી લઈને 10 કરોડ રૂપિયા સુધીના દંડ સુધીની કડક જોગવાઈઓ કરવામાં આવી છે.
આ કાયદાનું નામ ઝારખંડ સ્પર્ધાત્મક પરીક્ષા (ભરતીમાં અયોગ્ય માધ્યમોને રોકવાનાં પગલાં) અધિનિયમ, 2023 રહેશે. તેમાં એવી પણ જોગવાઈ કરવામાં આવી છે કે જો કોઈ ઉમેદવાર સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રથમ વખત છેતરપિંડી કરતા પકડાશે તો તેને એક વર્ષની જેલ થશે અને 5 લાખ રૂપિયાનો દંડ ભરવો પડશે. જો બીજી વખત પકડાય તો ત્રણ વર્ષની જેલ અને 10 લાખ રૂપિયાના દંડની જોગવાઈ છે. કોર્ટ દ્વારા સજાના કિસ્સામાં સંબંધિત ઉમેદવારો 10 વર્ષ સુધી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષામાં બેસી શકશે નહીં.
પેપર લીક અને કોપી સંબંધિત મામલામાં પ્રાથમિક તપાસ વિના એફઆઈઆર દાખલ કરવાની અને ધરપકડ કરવાની પણ જોગવાઈ છે. પેપર લીક અને કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ વિશે ગેરમાર્ગે દોરનારી માહિતીનો પ્રચાર કરનારાઓ પણ આ કાયદાના દાયરામાં આવશે. આ કાયદો રાજ્ય પબ્લિક સર્વિસ કમિશન, સ્ટેટ સ્ટાફ સિલેક્શન કમિશન, ભરતી એજન્સીઓ, કોર્પોરેશનો અને સંસ્થાઓ દ્વારા લેવામાં આવતી પરીક્ષાઓમાં લાગુ કરવામાં આવશે.
આ કાયદામાં પેપર લીક સંબંધિત બાબતોને લઈને કડક જોગવાઈઓ કરવામાં આવી છે. તેમાં વ્યક્તિઓ, એજન્સીઓ, પ્રિન્ટિંગ પ્રેસ અને પરીક્ષાઓ સાથે સંબંધિત તમામ લોકો કે જેમણે આ નકલ કે પેપરલીક માં ભાગ ભજવ્યો હશે તે તમામને ષડયંત્રમાં સામેલ ગણવામાં આવશે. તેમને સજાના ભાગ રૂપે 10 વર્ષથી આજીવન કેદ થઈ શકે છે. તેમજ 2 કરોડથી 10 કરોડ રૂપિયા સુધીના દંડની જોગવાઈ પણ છે. દંડ ન ભરી શકે તો તેણે ત્રણ વર્ષની વધારાની સજા ભોગવવી પડશે.
નોંધનીય છે કે ઘણા હોબાળા બાદ આ બિલ પસાર કરવામાં આવ્યું હતું.