નવી દિલ્હી: ત્રણેય રાજ્યોના મુખ્ય પ્રધાનોના નામ જાહેર થઇ ગયા છે અને હવે ત્રણેય રાજ્યોમાં શપથગ્રહણ સમારોહ યોજાશે, જેમાં ધામધૂમપૂર્વક નવા મુખ્યપ્રધાનોની તાજપોશી થશે. મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં આવતીકાલે શપથ ગ્રહણ સમારોહ યોજાશે અને રાજસ્થાનમાં 15 ડિસેમ્બરની આસપાસ શપથ ગ્રહણ સમારોહ યોજાય તેવી શક્યતાઓ છે.
આવતીકાલે મધ્યપ્રદેશમાં મોતીલાલ નેહરુ સ્ટેડિયમમાં સવારે 11.30 વાગ્યાથી શપથ ગ્રહણ સમારોહ શરૂ થઇ જશે. ત્રણ વખત ધારાસભ્ય રહી ચૂકેલા મોહન યાદવની મધ્યપ્રદેશના આગામી મુખ્યપ્રધાન તરીકે વરણી થઇ છે. તો બીજી બાજુ છત્તીસગઢના નવનિયુક્ત મુખ્યપ્રધાન વિષ્ણુદેવ સાંય સાંજે 4 વાગ્યે સાયન્સ કોલેજના મેદાનમાં આયોજિત કાર્યક્રમમાં શપથ લેશે.
મધ્યપ્રદેશ અને છત્તીસગઢ બંને રાજ્યોમાં શપથગ્રહણની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. શપથ ગ્રહણ સમારોહમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત અનેક રાજ્યોના મુખ્યપ્રધાનો અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા સહિત ભાજપના વરિષ્ઠ નેતાઓ હાજરી આપવાના છે.
મધ્યપ્રદેશના નવનિયુક્ત સીએમ મોહન યાદવે સોમવારે પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી કે નવી સરકારનો શપથ ગ્રહણ સમારોહ આગામી 13 ડિસેમ્બરે યોજાશે. તેમણે સોમવારે મધ્યપ્રદેશના રાજ્યપાલ મંગુભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટીના (BJP) ધારાસભ્ય દળના નેતા મોહન યાદવને રાજ્યમાં સરકાર બનાવવા માટે આમંત્રણ પણ આપ્યું હતું અને આગામી મુખ્યપ્રધાન તરીકેનો નિમણુંક પત્ર પણ તેમને સોંપ્યો હતો. 17 નવેમ્બરે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં 230માંથી 163 બેઠકો જીતીને ભાજપે મધ્યપ્રદેશમાં સત્તા જાળવી રાખી હતી, જ્યારે કોંગ્રેસ 66 બેઠકો સાથે બીજા ક્રમે રહી હતી.
PM મોદીની હાજરીમાં છત્તીસગઢના નવા મુખ્યપ્રધાન વિષ્ણુદેવ સાય અને મંત્રીમંડળના સભ્યો પણ 13 ડિસેમ્બર બુધવારના રોજ શપથ લેશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે છત્તીસગઢની રાજધાની રાયપુરમાં સાયન્સ કોલેજ મેદાનમાં બપોરના સમયે શપથ ગ્રહણ સમારોહ યોજાશે. સમારોહમાં વડાપ્રધાન મોદીની સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, કેન્દ્રીય મંત્રી ડૉ. મનસુખ માંડવિયા, છત્તીસગઢના રાજ્ય પ્રભારી ઓમ માથુર, સહ પ્રભારી નીતિન નબીન સહિત અનેક રાજ્યોના મુખ્યમંત્રીઓ અને વરિષ્ઠ નેતાઓ હાજર રહેશે. વિષ્ણુદેવ સાય છત્તીસગઢમાં ભાજપનો અગ્રણી આદિવાસી ચહેરો છે, તેઓ પણ રવિવારે અહીં ભાજપના 54 નવા ચૂંટાયેલા ધારાસભ્યોની બેઠક દરમિયાન ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટાયા હતા. રાજ્યની કુલ 90 વિધાનસભા બેઠકોમાંથી ભાજપે 54 બેઠકો જીતી છે. ગઇ વખતની ચૂંટણીમાં 2018માં 68 બેઠકો જીતનારી કોંગ્રેસ આ વખતે 35 બેઠકો પર સમેટાઇ ગઈ હતી.
Taboola Feed