Top Newsનેશનલ

વિકસિત ભારતની વાતો વચ્ચે 5 વર્ષમાં 9 લાખ લોકોએ ભારતીય નાગરિકતા છોડી, કરોડો ખર્ચીને મેળવી વિદેશી નાગરિકતા

નવી દિલ્હીઃ વિકસિત ભારતના દાવા વચ્ચે વરવી વાસ્તવિકતા સામે આવી છે. ભારતીય નાગરિકતા છોડનારા લોકોની સંખ્યા ઝડપથી વધી રહી છે. 5 વર્ષમાં 9 લાખ ભારતીયોએ નાગરિકતા છોડી છે. વર્ષ 2022 બાદ દર વર્ષે 2 લાખથી વધુ નાગરિકોએ ભારતીય નાગરિકતા છોડીને બીજા દેશની નાગરિકતા લઈ રહ્યા છે.

કયા વર્ષે કેટલા લોકોએ ભારતીય નાગરિકતા છોડી

રાજ્યસભાના સાંસદ પ્રકાશ કરાતએ પોતાના સવાલમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ભારતીય નાગરિકતા છોડનારા લોકોની માહિતી માંગી હતી.

જેના જવાબમાં વિદેશ મંત્રાલયે સંસદને જણાવ્યું કે છેલ્લા 5 વર્ષોમાં લગભગ 9 લાખ ભારતીયોએ પોતાની નાગરિકતા છોડી દીધી છે. રાજ્યસભામાં જવાબ આપતાં વિદેશ રાજ્ય પ્રધાન કીર્તિવર્ધન સિંહે કહ્યું કે, 2011 થી 2024ની વચ્ચે આશરે 21 લાખ ભારતીયોએ વિદેશી નાગરિકતા અપનાવી હતી. 2020 માં 85,256, 2021 માં 1,63,370, 2022 માં 2,25,620, 2023 માં 2,16,219, જ્યારે 2024 માં 2,06,378 લોકોએ ભારતની નાગરિકતા છોડીને કોઈ બીજા દેશની નાગરિકતા લીધી.

2019માં 1,44,017 ભારતીયોએ નાગરિકતા છોડી

વિદેશ રાજ્ય પ્રધાને 2011 થી 2019 સુધી ભારતીય નાગરિકતા છોડનારા લોકોનો આંકડો પણ જાહેર કર્યો હતો. આંકડાઓ મુજબ, 2011માં 1,22,819 લોકોએ ભારતીય નાગરિકતા છોડી. જ્યારે 2014માં, એટલે કે જે વર્ષે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બન્યા, તે વર્ષે આવું કરનારાઓની સંખ્યા થોડી વધીને 1,29,328 પર પહોંચી ગઈ હતી. વર્ષ 2019માં, એટલે કે જે વર્ષે નરેન્દ્ર મોદી બીજી વખત વડાપ્રધાન બન્યા, આ સંખ્યા થોડી વધુ વધી હતી. આંકડાઓ મુજબ 2019માં 1,44,017 ભારતીય નાગરિકોએ પોતાની નાગરિકતા છોડી હતી.ગયા વર્ષે પણ આ જ પ્રકારના આંકડાઓને લઈને ભારે હોબાળો મચ્યો હતો. વિપક્ષે તેને મોદી સરકારની નીતિઓની નિષ્ફળતા ગણાવી હતી.

કોરોના પછી ભારતીય નાગરિકતા છોડનારાની સંખ્યા વધી

2021 પછી નાગરિકતા છોડનારા લોકોની સંખ્યામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. કોરોના મહામારીના વર્ષ 2020માં આ આંકડો ઘટીને લગભગ 85 હજારની આસપાસ રહ્યો હતો, તેના પછી આ સંખ્યા 2 લાખની આસપાસ પહોંચી ગઈ હતી. આંકડા મુજબ આ વલણ સતત ચાલુ છે. સરકારે એ પણ જણાવ્યું કે વિદેશોમાં નોકરીની લાલચ અને કૌભાંડમાં ફસાયેલા હજારો ભારતીયોને બચાવવામાં આવ્યા છે. સૌથી વધુ ફરિયાદો ખાડી દેશોમાંથી આવી છે. સરકારનું કહેવું છે કે પ્રવાસી ભારતીયોની સુરક્ષા પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આપણ વાંચો:  સૂસવાટાભેર પવનથી ગુજરાતમાં વધશે ઠંડીનો ચમકારો: ગાઢ ધુમ્મસના કારણે 14 રાજ્યમાં એલર્ટ

MayurKumar Patel

15 વર્ષથી મીડિયા ક્ષેત્રમાં કાર્યરત છે. જાણીતા અખબાર અને વેબ સાઈટમાં કામ કરવાનો અનુભવ છે. બિઝનેસ, લોકલ ન્યૂઝ, રાજકારણ, ધર્મ, યુટિલિટી પર સારી પકડ ધરાવે છે.

સંબંધિત લેખો

Back to top button