કર્ણાટકમાં વિદ્યાર્થીનીઓને પરીક્ષા દરમિયાન હિજાબ પહેરી શકશે, રાજ્ય સરકારનો નિર્ણય

કર્ણાટક સરકારે સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેનારી વિદ્યાર્થિનીઓને હિજાબ પહેરવાની પરવાનગી આપી છે. ત્યાર બાદ ફરી એકવાર હિજાબ અંગે ચર્ચા છેડાઈ છે. ગયા વર્ષે કર્ણાટકની શાળાઓમાં હિજાબ બાબતે વિવાદ થયો હતો, મામલો કોર્ટમાં પહોંચ્યો હતો.
કર્ણાટક સરકારના આ નિર્ણય સામે હિન્દુત્વવાદી સંગઠનોએ વિરોધ નોંધાવ્યો હતો. ઉચ્ચ શિક્ષણ પ્રધાન એમસી સુધાકરે આ નિર્ણય અંગે જાહેરાત કરી હતી.
એમસી સુધાકરે સુધાકરે કહ્યું હતું કે આ એક ધર્મનિરપેક્ષ દેશ છે. લોકો પોતાની ઈચ્છા મુજબ પોશાક પહેરવા માટે સ્વતંત્ર છે. હિજાબ પહેરેલી વિદ્યાર્થીનીઓએ પેપર શરૂ થવાના ઓછામાં ઓછા એક કલાક પહેલા પરીક્ષા કેન્દ્ર પર પહોંચવું પડશે. તેમની સઘન તપાસ કરવામાં આવશે. અમે કોઈપણ પ્રકારની ગેરરીતિ ઈચ્છતા નથી. નીટ પ્રવેશ પરીક્ષામાં પણ યુવતીઓ હિજાબ પહેરી શકે છે.
રાજ્ય સરકારના આ નિર્ણય સામે વિરોધ કરવાની ધમકી આપતા સંગઠનો પર તેમણે કહ્યું, મને આ લોકોનો તર્ક સમજાતો નથી. કોઈ બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરી શકે નહીં. ભારત ધર્મનિરપેક્ષ દેશ છે.