બિહારમાં નીતીશ કુમારની પાર્ટીને બહુમત મળ્યા નથી પણ આ બનાવ્યો રેકોર્ડ

પટણાઃ જનતા દળ (યુનાઇટેડ)ના પ્રમુખ નીતીશ કુમારે રાજીનામું આપીને ફરી મુખ્ય પ્રધાન બન્યા છે, પરંતુ બિહારમાં તેમણે સૌથી લાંબા સમય સુધી મુખ્ય પ્રધાન રહેનાર નેતા બન્યા છે. અત્યાર સુધીમાં તેમની પાર્ટીને ક્યારેય બહુમતી મળી નથી. આ સિદ્ધિ પાછળ છુપાયેલી હકીકત અને તેમની રાજકીય કૌશલ્ય એ છે કે નીતિશ કુમાર (72) ક્યારેય પોતાના સાથીદારો સાથે સહજ રહી શક્યા નથી, જેના કારણે તેમને ઘણી વખત સાથીદારો બદલ્યા છે.
ભાગલપુરના કોંગ્રેસના વિધાનસભ્ય અજીત શર્માએ કટાક્ષ કરતા કહ્યું હતું કે નીતિશ કુમારે જેટલી વખત ભાજપ સાથે ગઠબંધન કર્યું છે, સાથ છોડ્યો અને ફરીથી ગઠબંધન કર્યું આ માટે તેમનું નામ ‘ગિનિસ બુક ઑફ રેકોર્ડ્સ’માં નોંધવાને પાત્ર છે.
શર્માએ 2013માં ભાજપ સાથે સંબંધો તોડ્યા બાદ નીતીશની ટિપ્પણીનો પણ ઉલ્લેખ કર્યો જેમાં તેમણે (નીતીશ કુમારે) કહ્યું હતું કે અમે ધૂળમાં ભળી જઇશું, પરંતુ ભાજપ સાથે નહીં જઈએ. એમાં કોઈ નવાઈ નથી કે ચાર દાયકાની તેમની રાજકીય કારકિર્દી દરમિયાન નીતિશને “તકવાદી” અને “પલટુ રામ” જેવા નામોથી ટોણો મારવામાં આવ્યો છે. જોકે, તેમના ચાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી કે જેઓ તેમને એવા નેતા કહે છે જે ભ્રષ્ટાચાર અને ભત્રીજાવાદથી દૂર રહે છે અને ક્યારેય ધાર્મિક બહુમતીવાદ સામે ઝૂકતા નથી.
1 માર્ચ, 1951ના રોજ પટનાના બખ્તિયારપુરમાં આયુર્વેદિક ડૉક્ટર-કમ-સ્વતંત્ર સેનાનીના ઘરે જન્મેલા નીતીશ કુમારે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો. બિહાર એન્જિનિયરિંગ કૉલેજ (હવે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) પટણામાં અભ્યાસ કરતી વખતે નીતિશ કુમારે વિદ્યાર્થીકાળથી રાજકારણમાં પ્રવેશ કર્યો અને ‘જેપી ચળવળ’માં જોડાયા હતા. તેઓ લાલુ પ્રસાદ અને સુશીલ કુમાર મોદી સહિત તેમના ઘણા સાથીઓ સાથે નજીક આવ્યા જેઓ આ આંદોલનમાં સામેલ હતા. ત્યારબાદ તેઓ પટના યુનિવર્સિટી સ્ટુડન્ટ યુનિયનના પ્રમુખ અને મહામંત્રી બન્યા.
નીતીશ કુમારને પ્રથમ ચૂંટણીમાં સફળતા 1985ની વિધાનસભાની ચૂંટણીમાં મળી જેમાં કોંગ્રેસે જબરદસ્ત વિજય મેળવ્યો હતો. જોકે, તેઓ લોકદળ માટે હરનોત બેઠક જીતવામાં સફળ રહ્યા હતા. પાંચ વર્ષ પછી તેઓ બાઢ બેઠક (હવે રદ કરી દેવામાં આવી છે.) પરથી સાંસદ તરીકે ચૂંટાયા. ત્યાર બાદ જ્યારે મંડલની લહેર ચરમસીમા પર હતી અને પ્રસાદ તેનો લાભ ઉઠાવી રહ્યા હતા ત્યારે નીતીશ કુમારે જ્યોર્જ ફર્નાન્ડિસ સાથે મળીને સમતા પાર્ટીની રચના કરી જે પાછળથી જનતા દળ (યુનાઈટેડ)માં ફેરવાઇ હતી. જેડી(યુ) એ ભાજપ સાથે મળી કેન્દ્રમાં સરકાર બનાવી અને અને ત્યારબાદ 2005થી રાજ્યમાં સત્તા સંભાળી હતી.
નીતીશના મુખ્ય પ્રધાન તરીકેના પ્રથમ પાંચ વર્ષ તેમના ટીકાકારો દ્વારા પણ પ્રશંસા સાથે યાદ કરવામાં આવે છે કારણ કે નીતિશે બિહારમાં કાયદો અને વ્યવસ્થાને મજબૂત બનાવી હતી જે ઘણીવાર ગુનાહિત ઘટનાઓ અને ખંડણી માટે અપહરણ માટે સમાચારમાં રહેતી હતી.