અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે સુરક્ષા મુદ્દે લેવામાં આવ્યો મોટો નિર્ણય
અયોધ્યા: બહુપ્રતિષ્ઠિત શ્રી રામમંદિર પૂર્ણ તૈયાર થયા બાદ 2024માં મકરસંક્રાંતિ પછી શુભ મુહૂર્ત પર શ્રી રામલલ્લા ત્યાં બિરાજમાન કરવામાં આવશે, ત્યાર બાદ તમામ શ્રદ્ધાંળુઓ ભગવાન શ્રી રામના દર્શન કરી શકશે. દરમિયાન શ્રી રામલલ્લાની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પહેલા અયોધ્યામાં આવેલ રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષા ઉત્તર પ્રદેશના વિશેષ સુરક્ષા દળ (એસએસએફ)ને સોંપવામાં આવશે.
મીડિયા રિપોર્ટ મુજબ સોમવારે રાત્રે એસએસએફની બે બટાલિયન પણ અયોધ્યામાં પહોંચી છે. જોકે તેમને તહેનાત કરવામાં આવે એ પહેલા તેમને એક અઠવાડિયાની તાલીમ આપવામાં આવશે. રામ જન્મભૂમિની સુરક્ષા માટે એસએસએફના 280 જવાનને તહેનાત કરવામાં આવશે એમ સત્તાવાર જણાવ્યું હતું. અયોધ્યા સિવાય કાશી અને મથુરાના મંદિરોની સુરક્ષા વ્યવસ્થા પણ એસએસએફને સોંપી શકાય છે. વિશેષા સુરક્ષા માટે ઉત્તર પ્રદેશ સરકારે એસએસએફની સ્થાપના કરી છે, જેમાં ઉત્તર પ્રદેશ પોલીસ અને પીએસસીના જવાનોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
હાલમાં રામ જન્મભૂમિ પરિસરની સુરક્ષા માટે પીએસીની 12 કંપનીઓ કાર્યરત છે. સીઆરપીએફ મંદિરના અંદરના ભાગની સુરક્ષા સંભાળે છે. હાલમાં અહી સીઆરપીએફની 6 બટાલિયન તહેનાત કરવામાં આવી છે, જેમાં મહિલા બટાલિયનનો પણ સમાવેશ છે. મંદિરના બહારના ભાગમાં અને ચેકિંગ પોઇન્ટ પર સિવિલ પોલીસના પુરુષ અને મહિલા પોલીસને તહેનાત કરવામાં આવ્યાં છે.