દમ લગા કે હઈશાઃ અમેઠીમાં કર્મચારીઓએ ટ્રેનને ધક્કો મારી સ્ટેશન પહોંચાડી બોલો!

અમેઠીઃ ધક્કો મારીને કાર કે બસને ચાલતી કરતા તમે જોઈ હશે, પણ ઉત્તર પ્રદેશના અમેઠીમાં તો ટ્રેનને ધક્કો મારી સ્ટેશન પર પહોંચાડવામાં આવી હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
ઉત્તર પ્રદેશના અમેઠી જિલ્લામાં રેલવે વિભાગની બેદરકારીનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, જ્યાં રેલવે અધિકારીઓ માટે DPC ટ્રેન પાટા વચ્ચે ખરાબ થઈ હતી અને અટકી પડી હતી. જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ટ્રેનને મેઇન લાઇનથી લૂપ લાઇન તરફ ધકેલી દેવામાં આવી હતી. રેલવે કર્મચારીઓનો ટ્રેનને ધક્કો મારતો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
મળતી માહિતી અનુસાર આ આખો મામલો જિલ્લાના નિહાલગઢ રેલ્વે સ્ટેશનનો છે, જ્યાં સુલતાનપુર બાજુના અધિકારીઓ ડીપીસી ટ્રેન દ્વારા લખનઉ તરફ જઈ રહ્યા હતા. ત્યારે અચાનક ટ્રેન સ્ટેશનની બહાર ઉભી રહી. મુખ્ય લાઇન પર ટ્રેન અટકી હોવાના કારણે અન્ય ઘણી ટ્રેનોને પણ અસર થઈ હતી. ઘણા પ્રયત્નો છતાં ડીપીસી ટ્રેન રીપેર થઈ શકી નથી.
જે બાદ રેલ્વે કર્મચારીઓ દ્વારા ડીપીસી ટ્રેનને મેઈન લાઈન પરથી હટીને લૂપ લાઈનમાં ખસેડવામાં આવી હતી. લોકોએ તેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે કેટલાક લોકો ટ્રેનને ધક્કો મારી રહ્યા છે. નજીકમાં સ્થાનિક લોકો હાજર છે.
આ સમગ્ર મામલે આરપીએફ ઈન્સ્પેક્ટર આરએસ શર્માએ કહ્યું કે આ ડીપીસી ટ્રેન છે, ગઈકાલે તે ખરાબ થતા તેનો કોચ રિપેર કરી આગળ જવા દીધી હતી.
રેલવે ફાટક બંધ હોવાનું વીડિયોમાં બતાવવામાં આવ્યું હતું. બંને બાજુ લોકો ઉભા છે. ટ્રેનને મધ્યમાં ટ્રેક પર આગળ ધકેલવામાં આવી રહી છે. વીડિયોમાં લોકોને એવું કહેતા સાંભળી શકાય છે કે લોકો ઘણા સમયથી પરેશાન છે. ગેટ બંધ છે. ટ્રેનને ધક્કો મારવામાં આવી રહ્યો છે. આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનો વિષય બની છે.