નેશનલવિજ્ઞાન અને ટેકનોલોજી

Whatsapp ને મોટો આંચકો, સીસીઆઈએ મેટા સાથે ડેટા શેર કરવા આટલા વર્ષનો પ્રતિબંધ મૂક્યો

નવી દિલ્હી : ફેસબુક અને વોટ્સએપની(Whatsapp)પેરેન્ટ કંપની મેટા( Meta)ને કોમ્પિટિશન કમિશન ઓફ ઈન્ડિયા(CCI)એ સોમવારે 213.14 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. સીસીઆઈ એ 2021 માં વોટ્સએપના પ્રાઈવેસી અપડેટના સંબંધમાં અયોગ્ય વ્યવસાયિક ધોરણો બદલ મેટાને આ દંડ ફટકાર્યો છે. આ સાથે સીસીઆઈએ મેટાને પ્રતિસ્પર્ધા વિરોધી વલણ દૂર કરવા અને આવી પ્રવૃત્તિઓથી દૂર રહેવાનો પણ નિર્દેશ આપ્યો છે. આ ઉપરાંત સીસીઆઇએ વોટ્સએપને મેટા સાથે ડેટા શેર કરવા માટે પાંચ વર્ષનો પ્રતિબંધ પણ મૂક્યો છે.

મેટાએ તેના વર્ચસ્વનો દુરુપયોગ કર્યો

સીસીઆઈએ પોતાના આદેશમાં કહ્યું કે મેટાએ તેના વર્ચસ્વનો દુરુપયોગ કર્યો છે. આ ઉપરાંત આ દંડ વોટસએપની 2021 પ્રાઈવેસી અપડેટ કેવી રીતે લાગુ કરવામાં આવી હતી. કેવી રીતે યુઝરનો ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો અને તેને મેટાની અન્ય કંપનીઓ સાથે કેવી રીતે શેર કરવામાં આવ્યો હતો તેનાથી પણ સંબંધિત છે.

વોટ્સએપને મેટા સાથે ડેટા શેર કરવા પર પ્રતિબંધ

ભારતના કોમ્પિટિશન કમિશને એમ પણ કહ્યું છે કે વોટ્સએપ તેના પ્લેટફોર્મ પર એકત્ર કરવામાં આવેલ ભારતીય યુઝર ડેટાને જાહેરાતના હેતુઓ માટે અન્ય મેટા કંપનીઓ સાથે 5 વર્ષ સુધી શેર કરી શકશે નહીં. વોટસએપ માટે આ મોટો ફટકો છે. દેશમાં હાલ એકલા વોટ્સએપ પર 500 મિલિયનથી વધુ માસિક સક્રિય યુઝર્સ છે.

યુઝર્સને તેનો અમલ કરવા દબાણ કરે છે

CCIએ તેની તપાસમાં શોધી કાઢ્યું કે વોટ્સએપની ‘ટેક-ઈટ-ઓર-લિવ-ઈટ’ પોલિસી અપડેટ વાજબી નથી. એટલે કે, આ નીતિએ તમામ વોટ્સએપ યુઝર્સના ડેટા એકત્રીકરણની શરતો સ્વીકારવા અને કોઈપણ નાપસંદ કર્યા વિના મેટા જૂથમાં ડેટા શેર કરવાની ફરજ પાડી. સીસીઆઈએ તેની તપાસમાં શોધી કાઢ્યું હતું કે મેટા દ્વારા લાવવામાં આવેલી આ નીતિ જે અપડેટના સ્વરૂપમાં હતી તે યુઝર્સને તેનો અમલ કરવા દબાણ કરે છે અને તેમની સ્વાયત્તતા ઘટાડે છે. CCI અનુસાર મેટા, વોટ્સએપ દ્વારા સેક્શન 4(2)(A)(i)નું ઉલ્લંઘન કરવામાં આવ્યું છે.

વોટ્સએપની સુધારેલી પ્રાઈવસી નીતિની તપાસ શરૂ કરી

તમને જણાવી દઈએ કે, CCI એ માર્ચ 2021 માં વોટ્સએપની સુધારેલી પ્રાઈવસી નીતિની તપાસ શરૂ કરી હતી, જેણે ડેટા કલેક્શનનો વ્યાપ વિસ્તાર્યો હતો અને મેટા અને તેના અન્ય ઉત્પાદનો સાથે ડેટા શેરિંગને પણ સરળ બનાવ્યું હતું. જ્યારે વર્ષ 2016 સુધી યુઝર્સ પાસે તે નક્કી કરવાનો વિકલ્પ હતો કે તેઓ તેમનો ડેટા કોઈપણ કંપની સાથે શેર કરવા માંગે છે કે નહીં.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button