કેબિનેટનો મહત્ત્વનો નિર્ણય: પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ ઘર બાંધવા સહાય અપાશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની પોતાની પહેલી જ કેબિનેટની બેઠકમાં સોમવારે અત્યંત મહત્ત્વનો નિર્ણય લીધો હતો કે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ ઘર બાંધવા માટે કેન્દ્ર સરકાર તરફથી સહાય આપવામાં આવશે.
મોદી 3.0 સરકારની પહેલી કેબિનેટની બેઠકનું આયોજન વડા પ્રધાનના 7, લોકકલ્યાણ માર્ગ પર આવેલા નિવાસસ્થાને કરવામાં આવ્યું હતું અને તેમાં એનડીએના બધા જ ઘટક પક્ષોના પ્રધાનો હાજર રહ્યા હતા.
આ પણ વાંચો : ‘પ્રધાનમંત્રીના પદગ્રહણના પહેલા જ દિવસથી હેડલાઇન મેનેજમેન્ટ શરૂ’ : જયરામ રમેશ
કેબિનેટની બેઠકમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે પાત્ર પરિવારની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં લેતાં શહેરી અને ગ્રામીણ વિસ્તારમાં વધુ ત્રણ કરોડ ઘર બાંધવા માટે સહાય આપવામાં આવશે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું.
કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવે છે. જેના હેઠળ પાત્ર પરિવારોને બધી ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં બધી જ પાયાભૂત સુવિધા સાથેનાં ઘરો બાંધવા માટે મદદ આપવામાં આવે છે.
અત્યાર સુધીમાં આ યોજના હેઠળ છેલ્લા 10 વર્ષમાં ગરીબોને 4.21 કરોડ ઘર બાંધવામાં આવ્યા છે.
આ યોજના હેઠળ બાંધવામાં આવતા ઘરોને મૂળભૂત સુવિધા જેમ કે ઘરની અંદર શૌચાલય, એલપીજીનું જોડાણ, વીજળીનું જોડાણ અને ઘરમાં પાણીના નળની સુવિધા આપવાની રહે છે. (પીટીઆઈ)