નવી શિક્ષણ નીતિમાં રમતગમતને મહત્ત્વ: મોદી
વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ `એક શિવશક્તિ પૉઇન્ટ ચંદ્ર પર અને બીજું કાશીમાં છે’
વારાણસીમાં ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના ક્રિકેટ સ્ટેડિયમ માટેની શિલારોપણ વિધિ કરી હતી, ત્યારબાદ જાહેરસભાને સંબોધી હતી ત્યારે તેમની સાથે મંચ પર ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ, બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની, બીસીસીઆઈના સેક્રેટરી જય શાહ અને ભૂતપૂર્વ ક્રિકેટર સચિન તેન્ડુલકર હાજર હતા. (પીટીઆઈ)
વારાણસી (ઉત્તર પ્રદેશ): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અહીં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરતા શનિવારે જણાવ્યું હતું કે ક્રિકેટ દ્વારા વિશ્વના અન્ય દેશો ભારતની વધુ નજીક આવી રહ્યા છે. વારાણસીના લોકોને સ્ટેડિયમમાં જઇને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મૅચ જોવાની તક જલદી મળશે અને યુવાન ક્રિકેટરોને અહીં સારી તાલીમ પણ મળી શકશે. જે રમશે છે, તે ખીલશે.
તેમણે જણાવ્યું હતું કે દેશમાં રમતગમત પાછળનો ખર્ચ નવ વર્ષમાં ત્રણ ગણો કરી દેવાયો છે. સ્પોર્ટ્સ માટેના આંતરિક માળખાના વિકાસની સાથે સ્થાનિક અર્થતંત્રને પણ મદદ મળે છે. સ્થાનિક મુલાકાતીઓની સંખ્યા વધવાથી હોટેલ, રેસ્ટોરાં, રિક્ષા, ટેક્સી વગેરે ચલાવનારા લોકોને પણ લાભ થાય છે.
મોદીએ મંદિરોની નગરી વારાણસી અંગે જણાવ્યું હતું કે ચંદ્ર પર એક શિવશક્તિ પૉઇન્ટ છે અને બીજું ધરતી પર કાશીમાં છે.
વારાણસીના રાજાતળાવ વિસ્તારમાં રિંગ રોડની નજીક રૂપિયા 450 કરોડના ખર્ચે 30 એકરથી વધારે વિસ્તારમાં 2025ના ડિસેમ્બર સુધીમાં સ્ટેડિયમ તૈયાર થઇ જશે. આ સ્ટેડિયમમાં દર્શકો માટે બેસવાની જગ્યાને વારાણસીના ઘાટ જેવો આકાર અપાશે. કાનપુર અને લખનઊ પછી વારાણસીમાં તૈયાર થનારું ઉત્તર પ્રદેશનું આ ત્રીજું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમ હશે. મોદીએ જણાવ્યું હતું કે નવી શિક્ષણ નીતિમાં રમતગમતને પણ મહત્ત્વ અપાયું છે.
આ પ્રસંગે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ ઉપરાંત ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ના પ્રમુખ રોજર બિન્ની, સચિવ જય શાહ, ભૂતપૂર્વ ક્રિકેટરો – સુનીલ ગાવસ્કર, કપિલ દેવ, સચિન તેંડુલકર, રવિ શાસ્ત્રી વગેરે હાજર રહ્યા હતા. (એજન્સી) ઉ