
નવી દિલ્હી: ભારતીય હવામાન વિભાગે (IMD) વર્ષ 2025 માટે વર્ષાઋતુની આગાહી કરી છે. હવામાન વિભાગે કરેલી આગાહીમાં આ વર્ષે સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામા આવી છે. IMDએ મોસમી વરસાદ લાંબા ગાળાના સરેરાશના 105 ટકા રહેવાની આગાહી કરી છે.
સારા ચોમાસાનો સંકેત
હવામાન વિભાગના જણાવ્યા અનુસા, આ વર્ષે અલ નીનો અને હિંદ મહાસાગર ડાયપોલ સામાન્ય રહેવાના છે, જે સારા ચોમાસાનો સંકેત છે. આ બંનેની અનુકૂળ પરિસ્થિતિઓને કારણે, સમગ્ર દેશમાં સામાન્ય કરતાં વધુ વરસાદ થશે. ખાસ વાત એ છે કે યુરેશિયા અને હિમાલય ક્ષેત્રમાં બરફનું પ્રમાણ ઘટશે. નિષ્ણાતોના મતે, જ્યારે હિમાલય અને તેની આસપાસના વિસ્તારોમાં ઓછો બરફ પડે છે, ત્યારે ભારતમાં ચોમાસાના વરસાદનું પ્રમાણ સરેરાશ કરતા વધુ હોય છે.
ખેડૂતોને મળશે રાહત
હવામાન વિભાગના વડા મૃત્યુંજય મહાપાત્રાએ આજે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ 2025માં ચોમાસાની ઋતુ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદ પડવાની શક્યતા છે. ચોમાસા દરમિયાન સરેરાશ વરસાદ 87 સેમીના લાંબા સમયગાળામાં સરેરાશ 105 ટકા હોવાનો અંદાજ છે. સારા વરસાદને કારણે ખેડૂતો અને પાણીની કટોકટીનો સામનો કરી રહેલા વિસ્તારોને મોટી રાહત મળશે.
અલ નીનો અસરને નકારી
IMDએ ચોમાસા દરમિયાન અલ નીનો સ્થિતિના વિકાસને શક્યતાને પણ નકારી કાઢી હતી. દેશના ઘણા ભાગો પહેલાથી જ તીવ્ર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, ત્યારે એપ્રિલથી જૂનનો સમયગાળો વધુ ગરમ રહે તેવી ધારણા છે.
કયા વરસાદને ગણવામાં આવે છે સામાન્ય કરતાં વધુ
ચાર મહિનાના ચોમાસા દરમિયાન લદ્દાખ ઉત્તરપૂર્વ અને તમિલનાડુમાં સામાન્યથી ઓછો વરસાદ પડવાની સંભાવના છે. IMD સામાન્ય વરસાદને 50 વર્ષની સરેરાશ 87 સેમીના 96 ટકાથી 104 ટકાની વચ્ચે વ્યાખ્યાયિત કરે છે. આ મર્યાદાથી ઉપરની કોઈ પણ રકમ “સામાન્ય કરતાં વધુ” ગણવામાં આવે છે.