નવી દિલ્હી: હાલ દેશના મોટા ભાગના વિસ્તારોમાં કાળઝાળ ગરમી(Heat wave)પડી રહી છે, જેને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. એવામાં હવામાન વિભાગએ ખુશ ખબર આપી (Weather Update) છે, લોકોને ટૂંક સમયમાં જ ગરમીથી રાહત મળી શકે છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગઈ કાલ બુધવારે જણાવ્યું હતું કે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું(South-west monsoon) 31 મેની આસપાસ કેરળ(Kerala)માં પ્રવેશે તેવી સંભાવના છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું સામાન્ય રીતે 1 જૂને કેરળમાં પ્રવેશે છે. ત્યાર બાદ ચોમાસું ઉત્તર તરફ આગળ વધે છે અને 15 જુલાઈની આસપાસ સમગ્ર દેશને આવરી લે છે.
અહેવાલ અનુસાર IMDએ જણાવ્યું હતું કે, “આ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 31 મેના રોજ કેરળ પહોંચવાની ધારણા છે. આ વહેલું નથી, આ સામાન્ય તારીખની નજીક છે, કારણ કે કેરળમાં ચોમાસાની શરૂઆતની સામાન્ય તારીખ 1 જૂન છે.”
ગયા મહિને, IMD એ દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની મોસમ દરમિયાન સામાન્ય કરતાં વધુ વરસાદની આગાહી કરી હતી જે જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલે છે. જૂન અને જુલાઈ એ ખેતી માટે સૌથી મહત્વપૂર્ણ ચોમાસાના મહિના માનવામાં આવે છે કારણ કે આ સમયગાળા દરમિયાન ખરીફ પાકની મોટાભાગની વાવણી થાય છે.
ભારતીય હવામાન વિભાગે 2024 માં ચોમાસાના સરેરાશથી વધુ વરસાદની આગાહી કરી છે, જે દેશના ખેડૂતો માટે સારા સમાચાર છે. ગત વર્ષે અનિયમિત હવામાનને કારણે કૃષિ ક્ષેત્રને અસર થઈ હતી. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આ વર્ષે સરેરાશ 106 ટકા વરસાદ થવાની ધારણા છે.