આઈઆઈટીયન બાબાની બન્ને આગાહી ખોટી પડી, જોરદાર ટ્રૉલ થતાં માફી માગી…

નવી દિલ્હી: પ્રયાગરાજના મહાકુંભથી ફેમસ થયેલા અભય સિંહ ઉર્ફે આઈઆઈટીયન બાબાએ રવિવારની દુબઈની ભારત-પાકિસ્તાન મૅચ વિશે જે બે ભવિષ્યવાણી કરી હતી એ બન્ને ખોટી પડતાં તેઓ સોશિયલ મીડિયામાં ટ્રૉલ થયા છે જેને પગલે તેમણે માફી માગવી પડી છે.
બાબાએ આગાહી કરી હતી કે વિરાટ કોહલી પાકિસ્તાન સામેની આ મૅચમાં ફ્લૉપ જશે અને ભારત આ મૅચ હારી જશે.
જોકે મૅચમાં બાબાની આગાહી કરતાં સાવ ઊલટું જ બન્યું. વિરાટ કોહલી અણનમ સેન્ચુરી (100 અણનમ, 111 બૉલ, સાત ફોર) સાથે મૅચ-વિનર બન્યો અને ભારતે આસાનીથી મૅચ જીતી લીધી. હાર્દિક પંડ્યાએ બાબર આઝમ અને સાઉદ શકીલની મહત્ત્વની વિકેટ લીધી તેમ જ બીજા બે ગુજરાતી ખેલાડીઓ અક્ષર અને જાડેજાનો પણ જીતમાં મોટો ફાળો હતો. ત્રણ વિકેટ લેનાર કુલદીપ યાદવે 300 આંતરરાષ્ટ્રીય વિકેટોની સિદ્ધિ પણ મેળવી હતી.
આઈઆઈટીયન બાબાની આગાહી ખોટી પડતાં જ મીડિયામાં ક્રિકેટપ્રેમીઓ તેમના પર તૂટી પડ્યા છે. મીમ્સ બન્યા છે જેમાં બાબાને એવા અર્થમાં કહેવાયું છે કે તમે તો મોટા ઉપાડે જે આગાહીઓ કરી હતી એ સાવ ખોટી પડી.
આઈઆઈટીયન બાબાએ મૅચ પહેલાં એક વીડિયો માટે કહ્યું હતું, ‘મૈં તુમ કો પહેલે સે બૉલ રહા હૂં, ઇસ બાર ઇન્ડિયા નહીં જીતેગી. જો જો હૈ, વિરાટ કોહલી… સબ કો બૉલ દો કે આજ જિતકે દિખાએ. અબ મૈંને મના કર દિયા હૈ તો નહીં જિતેગી તો નહીં જિતેગી. અબ ક્યા ભગવાન બડે હૈ યા તુમ બડે હો.’
Also read : Mahakumbh 2025:સીએમ યોગીએ કહ્યું, મહાકુંભ સદીની સૌથી દુર્લભ ઘટનાઓમાંની એક
‘એક્સ’ પર બાબાએ પોતાની આગાહી ખોટી પડતાં ક્રિકેટપ્રેમીઓની માફી માંગતા જણાવ્યું છે કે ‘હું જાહેરમાં માફી માંગુ છું અને બધાને જીતની ઉજવણી કરવાની અરજ કરું છું. ઈટ્સ પાર્ટી ટાઈમ. મુજે મન હી મન પતા થા કી ઇન્ડિયા જિતેગા.’
‘એક્સ’ પર એક ક્રિકેટપ્રેમીએ તો બાબા પર ગુસ્સે થઈને એવું લખી નાખ્યું કે ‘દોસ્તો, આ આઈઆઈટીયન બાબાને જીવતો પકડો અને ભારતની બહાર ફેંકી દો.’
બીજા એક મીડિયા યુઝરે લખ્યું, ‘મોરલ ઑફ ધ સ્ટોરી ઇઝ… ભવિષ્યવાણી પર ક્યારેય ભરોસો ન કરો.’